
અદાણીનો મુદ્દો લોકસભાથી હવે અમદાવાદ મહાનગર પાલિકાના બજેટ સત્રમાં પહોંચ્યો છે. આજે અમદાવાદ મહાનગર પાલિકાનું વિશેષ બજેટ સત્ર મળ્યું હતું, જેમાં એએમસીના રૂ.9,482 કરોડના જનરલ બજેટ પર ચર્ચા કરાઈ હતી. પરંતુ, આ બજેટ સત્ર દરમિયાન અદાણી મુદ્દે ભારે હોબાળો થતા બજેટ સત્રને એક કલાક માટે મોકૂફ રાખવાની ફરજ પડી હતી.
વિપક્ષના સરકાર પર ગંભીર આરોપ
માહિતી મુજબ, આ બજેટ સત્રમાં એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાને આરોપ લગાવ્યા હતા કે, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા અદાણી કંપનીને મસમોટો ફાયદો કરાવવામાં આવ્યો છે. સીએનજી ગેસ સ્ટેશન માટે અદાણી કંપનીને જમીનની ફાળવણી કરાઈ હતી. શહેરમાં કરોડો રૂપિયાની કિંમતની જમીન અદાણી કંપનીને માત્ર નજીવી કિંમત પર આપી દેવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ રકમની વસૂલી પણ માત્ર એએમટીએસના બસની રિફિગ કરીને કરવામાં આવી હતી.
‘સામાન્ય જનતા ટેક્સ ના ભરે તો પ્રોપર્ટી સીલ કરવામાં આવે છે’
શહેઝાદ ખાન પઠાણે કહ્યું કે, અદાણી ગેસ પાઇપ લાઇનના ટેક્સ પેટે 12 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. છતાં પણ કંપની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે સામાન્ય વ્યક્તિ દ્વારા જો ટેક્સ ભરવામાં ના આવે તો તેની એકમને સીલ કરવામાં આવે છે. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, સત્તા પક્ષ ભાજપ જાણે અદાણીના એજન્ટ તરીકે કે કામ કરી રહ્યો છે. આ મુદે સત્તા પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા હતા અને ભારે હોબાળો થયો હતો. જોકે, શહેજાદ ખાન પઠાણ અને જૈનિક વકીલે તેમના શબ્દ માટે માફી માંગી હતી. બજેટ સત્રની કાર્યવાહી એક કલાક માટે મોકૂફ રાખવામાં આવી હતી.