ગુજરાત AAPનું સંગઠન માળખું જાહેર, ઈસુદાન-ઈન્દ્રનીલની મહત્વના હોદ્દા પર નિયુક્તિ
આમ આદમી પાર્ટી ગુજરાતના નવીન સંગઠનને અનુલક્ષીને પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનનું નવું માળખું જાહેર કરી દેવાયું છે.
ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ તથા ઈન્દ્રનીલ રાજગુરૂને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કૈલાશ ગઢવીને આપ ગુજરાતના ખજાનચી તથા સાગર રબારીને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાત AAPનું સંગઠન માળખું જાહેર
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આજના દિવસને આમ આદમી પાર્ટીના કાર્યકરો માટે ઐતિહાસિક ગણાવ્યો હતો તથા શક્તિશાળી વિશાળ માળખાની જરૂર હોવાથી જૂનું માળખું વિખેરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વિધાનસભાની 182 બેઠકો પર યોજવામાં આવેલી પરિવર્તન યાત્રાને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ ઈસુદાન ગઢવીએ પદાધિકારીઓના પહેલા લિસ્ટની જાહેરાત બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને હજું બીજી યાદ બહાર પડશે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, એક વિધાનસભામાં 4 સંગઠન મંત્રી રહેશે. મતલબ કે, એક વિધાનસભાના 4 બ્લોક પાડવામાં આવ્યા છે. દરેક ગામમાં 11 લોકોની ટીમ બનાવવામાં આવી છે.
પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકે ઈસુદાનનો રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ કરવામાં આવશે તથા યોગ્ય સમયે ગુજરાતમાં આપનો મુખ્યમંત્રી પદ માટેનો ચહેરો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
કિશોર દેસાઈને મેઈન વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ (ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન) બનાવવામાં આવ્યા છે. મનોજ સોરઠિયાને મેઈન વિંગના સ્ટેટ જનરલ સેક્રેટરી, કૈલાશ ગઢવીને મેઈન વિંગના સ્ટેટ ટ્રેઝરર, જગમલ વાળા, સાગર રબારી, રિનાબેન રાવલ, અર્જુન રાઠવાને સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. જિતેન્દ્ર ઉપાધ્યાયને એજ્યુકેશન સેલના સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ, બિપીન ગામિતને બિરસા મુંડા મોર્ચાના સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ, ભેમા ચૌધરીને કો ઓપરેટિવ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, મહેશ કોસાવાલાને જય ભીમ મોર્ચાના સ્ટેટ પ્રેસિડેન્ટ, રાજુ કપરાડાને કિસાન વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, પ્રણવ ઠાકરને લિગલ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, આરિફ અંસારીને સ્પોર્ટ્સ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, ગૌરી દેસાઈને મહિલા વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, પ્રવીણ રામને યુથ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાત AAPનું સંગઠન માળખું જાહેર
પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ હવે આમ આદમી પાર્ટીનું ફોકસ ગુજરાત તરફ જોવા મળી રહ્યું છે. ગુજરાત વિધાન સભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ કમર કસી રહ્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવવા માટે એક નવી વ્યૂહરચના બનાવી છે. આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં અને તેમના માર્ગદર્શન હેઠળ આવનારી ચૂંટણીના બાકીના મહિનાઓ માટેની નવી વ્યૂહરચના અમલમાં મૂકી છે.
થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને પાર્ટીએ ગુજરાત પ્રદેશમાં સંગઠનના માળખાને વિખેર્યું હોવાની જાહેરાત કરી હતી. તેમાં પ્રમુખ સિવાયના તમામ હોદ્દાઓ પર નવેસરથી નિયુક્તિ કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું હતું. માળખાના વિસર્જન અંગે સ્પષ્ટતા કરતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું, કે આજ દિન સુધીનું માળખું આમ આદમી પાર્ટીની રચનાનું હતું. ગુજરાતના ખૂણે-ખૂણા સુધી આપનો સંદેશ પહોંચાડવા માટેનું હતુ પરંતુ હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ તરીકે ભાજપ સામે બાથ ભીડવા નવી વ્યૂહરચના સાથે નવું માળખું બનશે.