
રાજ્ય સરકારના કૃષિ,ઉર્જા મંત્રી મુકેશભાઈ પટેલે ૧૫૫- ઓલપાડ વિધાનસભા મતક્ષેત્રમાં મોટું ગાબડું પાડી ૨૦૦ થી વધુ “કોંગ્રેસ-આપ’ના કાર્યકરો અને નેતાઓને ભાજપમાં પ્રવેશ આપી કેસરિયો ખેસ પહેરાવતા બંન્ને વિરોધ પક્ષના મોવડી મંડળમાં ખળભરાટ મચવા પામ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે.ગમે તે ઘડીએ ચૂંટણીપંચ જાહેરનામું બહાર પાડે તેવા ભણકારા વચ્ચે ગોકળગાય ગતિએ કોંગ્રેસના ખંડેરમાંથી કાંગરાઓ ખરી રહ્યા છે.આ ઉપરાંત ગુજરાતમાં વાજતે- ગાજતે સરકાર બનાવવાની પીપુડી વગાડી રહેલ આપ પાર્ટીના કાર્યકરો પણ વિખરાઈ રહ્યા છે.

રાજ્ય સરકારના કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતાના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલનો ગત શુક્રવારે ૧૫૫- ઓલપાડ વિધાનસભા શહેરી મતક્ષેત્રના વોર્ડ નંબર-૧ માં પેજ પ્રમુખ કાર્ડ વિતરણનો એક કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં રાજ્યકૃષિ મંત્રી મુકેશભાઈ પટેલ સુરત મહાનગર પાલિકાની ગત સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરેલ પ્રતિમાબેન યોગેશભાઈ પટેલ તથા ગુ.પ્રદેશ કોંગ્રેસ સેવાદળના ઉપાધ્યક્ષ રહી ચૂકેલ યોગેશભાઈ પટેલને ભાજપમાં જોડવામાં સફળ રહ્યા હતા.જયારે “આપ પાર્ટી”ના સુરત શહેર સંગઠન મંત્રી અને પાટીદાર આગેવાન ભાવેશ અજુડીયા પણ ૨૦૦ થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા.આ પ્રસંગે કૃષિમંત્રી મુકેશભાઈ પટેલ સાથે સુરત શહેર ભાજપા પ્રમુખ નિરંજન ઝાંઝમેરા,સુ.જિ.ભાજપા પ્રમુખ સંદિપ દેસાઈ,ભાજપ શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલ, તથા પાર્ટીના આગેવાનોની હાજરીમાં ભાજપનો કેસરિયો ખેસ પહેરાવી તમામ કાર્યકરોને આવકાર્યા હતા.