
એક સમયના મહારાષ્ટ્રના ભાજપના સિનિયર નેતા, હવે એનસીપીમાં સામેલ એકનાથ ખડસે, હવે ઘરે પરત ફરવા માંગે છે. આટલું જ નહીં આ માટે દિલ્હી આવીને અમિત શાહન મળવા માટે ત્રણ કલાક રાહ જોઈ પરંતુ સમય ન મળ્યો. જેના કારણે તો હજુ સુધી ભાજપમાં આવી શક્યા નથી અને નિરાશ છે. ભાજપના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી ગિરીશ મહાજને આ દાવો કર્યો છે.
ગિરીશ મહાજને કહ્યું કે એકનાથ ખડસે એનસીપીમાં ખુશ નથી અને તેઓ સતત અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસને પાછા ફરવાના સંકેતો આપી રહ્યા છે. તેમણે કહ્યું કે એકનાથ ખડસે તેમની વહુ રક્ષા ખડસે સાથે દિલ્હી ગયા હતા અને અમિત શાહને મળવાનો પ્રયાસ કર્યો હતો.

મહાજને કહ્યું, ‘અમને જાણવા મળ્યું છે કે એકનાથ ખડસે તેમની પુત્રવધૂ સાથે અમિત શાહને મળવા દિલ્હી ગયા હતા. જો કે અમિત શાહની ઓફિસની બહાર ત્રણ કલાક સુધી બેસી રહ્યા બાદ પણ તેમને મળવાની તક મળી શકી નથી. આ વાત મને બીજા કોઈએ નહીં પરંતુ રક્ષા ખડસેએ કહી છે.’ મંત્રીએ કહ્યું કે જો અમિત શાહ એકનાથ ખડસેને ત્રણ કલાક રાહ જોયા પછી પણ મળ્યા ન હતા, તો તે એક સંકેત છે કે ભાજપ તેમને પાછા લેવા માંગતી નથી. તેમણે કહ્યું કે ખડસે ઘણા મહિનાઓથી તેમને અને દેવેન્દ્ર ફડણવીસને ભાજપમાં પાછા ફરવાના સંકેત આપી રહ્યા છે.
ગિરીશ મહાજને કહ્યું, ‘તાજેતરમાં અમે એક કાર્યક્રમમાં સ્ટેજ પર મળ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે આપણે આપણા મતભેદો દૂર કરવા જોઈએ અને હું ભાજપમાં પાછા આવવા માંગુ છું. ત્યારે મેં કહ્યું કે કેબિનેટ વિસ્તરણ પછી આ અંગે વાત કરીશું. બીજેપી નેતાએ કહ્યું કે એકનાથ ખડસે 40 વર્ષથી પાર્ટીમાં હતા. તેમણે અનેક હોદ્દા પર કામ કર્યું. આ પછી પણ તેઓ સંતુષ્ટ ન થયા અને પાર્ટી છોડીને NCPમાં ગયા. હવે તે ત્યાં પણ નાખુશ છે. આખરે એકનાથ ખડસે જ્યાં જાય છે ત્યાં પરેશાન કેમ રહે છે. ખુદ એકનાથ ખડસેએ પણ સ્વીકાર્યું છે કે તેમણે અમિત શાહને મળવાની કોશિશ કરી હતી, પરંતુ સફળતા મળી ન હતી. જો કે ત્રણ કલાક રાહ જોવાની વાત ખોટી હોવાનું જણાવ્યું હતું.

એકનાથ ખડસેએ સ્વીકાર્યું, અમિત શાહને મળવાનો પ્રયાસ કર્યો હતો
એકનાથ ખડસેએ કહ્યું, ‘એ ખોટું છે કે મારી વહુ અને મેં અમિત શાહને મળવા માટે ત્રણ કલાક રાહ જોઈ. એ વાત સાચી છે કે અમે અમિત શાહને મળવા ગયા, પણ મળી શક્યા નહીં. અમે તેમની સાથે ફોન પર વાત કરી છે. રક્ષા સાથે વાત કર્યા બાદ મહાજન તેને વધારી વધારીને કહી રહ્યા છે. રક્ષાએ ક્યારેય મહાજનને કહ્યું નથી કે અમે અમિત શાહને મળવા માટે ત્રણ કલાક રાહ જોઈ છે.
જો કે એકનાથ ખડસેએ એ નથી જણાવ્યું કે તેઓ અમિત શાહને કેમ મળવા માગે છે, પરંતુ કહ્યું કે શરદ પવાર પણ આ વાતથી વાકેફ છે. એકનાથ ખડસેએ એ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે તેમનો ભાજપમાં જોડાવાનો કોઈ ઈરાદો નથી. એકનાથ ખડસે ભાજપ છોડીને 2020માં એનસીપીમાં જોડાયા હતા અને દેવેન્દ્ર ફડણવીસ પર પોતાને બાજુ પર રાખવાનો આરોપ લગાવ્યો હતો.