ભાવનગર જિલ્લામાં “કિસાન સુર્યોદય યોજના” નો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવતા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

હવે સવારે ૫:૦૦ થી રાત્રીના ૯:૦૦ સુધી દિવસે પણ ખેડુતોને વીજ પુરવઠો મળતો થશે, પ્રથમ તબક્કામા જિલ્લાના ૧૧૫ ગામોને યોજના હેઠળ આવરી લેવાયા

-:મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા:-
• ૧૯૬૦ થી લઇ ૨૦૦૨ સુધીના ૪૨ વર્ષના ગાળામા માત્ર ૭.૩૩ લાખ વીજ કનેક્શનો અપાયા જ્યારે હાલની સરકારે માત્ર ૧૮ વર્ષમાં ૧૨ લાખથી વધુ વીજ કનેક્શન ખેડુતોને આપ્યા
• સરકારે વાયદાઓ નહી પણ પ્રજાને અનુભવ થાય એવા ફાયદાઓ લોકો સુધી પહોંચાડ્યા છે

ભાવનગર તા.૦૭ : ભાવનગર જિલ્લાના ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તાજેતરમા શરૂ કરવામા આવેલ “કિસાન સુર્યોદય યોજના”નો જિલ્લા વ્યાપી પ્રારંભ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ઘોઘા તાલુકાના મોરચંદ ગામેથી કરાવાયો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં કિસાનોને વીજળીને લગતી તકલીફના નામે માત્ર વાયદાઓ જ કરવામાં આવતા. જ્યારે ખેડૂતની આ તકલીફને રાજ્ય સરકારે ધ્યાનમાં લીધી અને ૨૪ કલાક ખેડૂતોને વીજળી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી ભુતકાળમા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ખેડુતોને વીજળી મળી તે માટે ખુબ ગંભીર હતા અને તેથી જ તેઓના સમયગાળામાં રાજ્યમા ગામે ગામ ૨૪ કલાક વીજળી મળતી થાય તેવી જ્યોતિગ્રામ યોજના અમલમા મુકાઇ.
જે રીતે રાજ્યમા જ્યોતિગ્રામ યોજના પૂર્ણ થઈ તે જ રીતે ૧૧૫ ગામો સિવાયના જે ગામોને આ યોજનાનો હાલ લાભ નથી મળ્યો તેમને પણ તબક્કાવાર આવરી લેવાશે તેમ જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે ૧૯૬૦ થી લઇ ૨૦૦૨ સુધીના ૪૨ વર્ષના ગાળામા તે વખતની સરકારે માત્ર ૭.૩૩ લાખ વીજ કનેક્શનો આપ્યા હતા. જ્યારે હાલની રાજ્ય સરકાર માત્ર ૧૮ વર્ષમાં ૧૨ લાખથી વધુ વીજ કનેક્શન આપી ખેડુતોની પડખે ઉભી રહી છે. સરકારે વાયદાઓ નહી પણ પ્રજાને અનુભવ થાય એવા ફાયદાઓ લોકો સુધી પહોંચાડ્યા છે. આ સરકાર લોકોનો વેરો સ્વરૂપ બદલીને લોકો સુધી પહોંચાડે છે.

આ પ્રસંગે મંત્રીશ્રીએ વધુમા જણાવ્યુ હતુ કે કોરોના કાળમાં પણ સરકાર તેમજ તમામ વિભાગોએ શ્રેષ્ઠ કામગીરી કરી અને કોરોના વાયરસને ફેલાતું અટકાવવામાં સફળતા મેળવી. જેની નોંધ સમગ્ર દુનિયાએ લીધી. તેમ જણાવી ઉજ્જ્વલા યોજના, જ્યોતિગ્રામ યોજના, આયુષ્માન, માં અમૃતમ, સોલાર રૂફ ટોપ વગેરે લોકોપયોગી યોજનાઓની ઉપસ્થિત સૌ કોઇને માહિતી આપી હતી.
આ પ્રસંગે સાસંદ શ્રીમતી ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે સૂર્યોદયની જેમ જ આ યોજના થકી જિલ્લામાં તાજગી અને સ્ફુર્તિ આવશે. ખેડૂતોની લાંબા સમયની માંગણી અને મુશ્કેલીઓનો અંત આવ્યો છે. આ યોજના હેઠળ પ્રથમ તબક્કામા ભાવનગર જિલ્લાના ૧૧૫ ગામો તથા ઘોઘા તાલુકાના ૧૯ ગામોને હવે દિવસે પણ વીજળીનો લાભ મળશે. સરકારે રાજ્યના ૧૮ હજાર ગામડાઓમાં ઘરે ઘરે ૨૪ કલાક વીજળી મળે તેવી યોજનાઓ અમલમાં મૂકી. જેના થકી હાલ ખેતરમાં અને ઘરે ઘરે વીજળી મળતી થઈ છે અને છતા રાજ્ય પાસે વીજળી સરપ્લસ રહે છે. ભાવનગર એ ગીરનો પાડોશી જિલ્લો હોય અહી અવાર નવાર હિંસક પ્રાણીઓ આવી જતા અને સતત એ રાની પશુના હુમલાનો ભય રહેતો. પરંતુ હવે દિવસે વીજળી મળતા ખેડૂતોને રાત ઉજાગરા બંધ થશે અને રાની પશુઓના ભયથી ખેડૂતો મુક્ત થશે.
આ તકે રાજ્યમંત્રી શ્રી પરશોત્તમભાઇ સોલંકીએ પ્રાસંગીક ઉદ્બોધન કરતા જણાવ્યુ હતુ કે આ યોજના થકી ઘોઘા તાલુકા તથા ભાવનગર જિલ્લાના ખેડુત ભાઇઓને ખુબ ફાયદો થશે. ખેડુતોની વર્ષો જુની સમસ્યાનો આ યોજના થકી અંત આવશે. તેમ જણાવી મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌ કોઇનો આભાર વ્યક્ત કર્યો હતો.


શું છે કિસાન સુર્યોદય યોજના ?

ખેડુતોને દિવસે  વીજળી પુરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભીગમ અપનાવી “કિસાન સુર્યોદય યોજના”  અમલમા મુકવામા આવી. જે યોજના હેઠળ કૃષિ ક્ષેત્રે દિવસ દરમ્યાન સવારના ૫:૦૦ થી રાત્રીના ૯:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો આપવામા આવશે. આ યોજના થકી ખેડુતોને  દિવસે વીજ પુરવઠો મળવાથી રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય અને તાઢ, તાપ જેવી મુશ્કેલીઓથી કાયમ મુક્તિ મળશે.
આ પ્રસંગે એ.પી.એમ.સી. ચેરમેન શ્રી છોટુભા, પી.જી.વી.સી.એલ. મુખ્ય ઇજનેર શ્રી પી.એન.અજાતિયા, મદદનિશ કલેક્ટર સુશ્રી પુષ્પલત્તા બહેન, શ્રી દિગ્વીજયસિંહ ગોહિલ, શ્રી દિવ્યેશભાઇ સોલંકી, શ્રી અરવિંદભાઇ ડાભી, શ્રી મુકેશભાઇ લંગાળીયા સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામા કોવિડ-૧૯ની ગાઇડલાઇન અનુસરીને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *