બર્થડે સ્પેશિયલ : ઓસ્કાર એવોર્ડ વિજેતા એ.આર. રહેમાનનો આજે જન્મદિવસ

બોલિવૂડ સંગીતકાર એ આર રહેમાનનો જન્મ 1966માં 6 જાન્યુઆરીના રોજ થયો હતો. એ. આર.રહેમાન ભારતના
તમિલનાડુ રાજ્યના ચેન્નઈ ખાતે સંગીતના પ્રભાવ હેઠળના મુદલિયાર તમિલ કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા આર. કે. શેખર ચેન્નાઈ સ્થિત કંપોઝર અને મલયાલમ ફિલ્મોના વૃંદવાદનના સંચાલક હતા. રહેમાન જ્યારે નવ વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થયુ હતું. સંગીતના સાધનો ભાડે આપીને રહેમાનનો પરિવાર પોતાનું ગુજરાન ચલાવતો હતો.

રહેમાન શરૂઆતના વર્ષોમાં કિબોર્ડ પ્લેયર તરીકે કામ કરતા હતા.

ચેન્નાઈમાં રહેમાને નીમીસીસ એવન્યૂ નામનું રોક ગ્રુપ શરૂ કર્યુ હતું. તે પિયાનો અને કિબોર્ડ વગાડતા હતા. આટલું જ નહિ તે હાર્મોનિયમ અને ગિટાર પણ સારી રીતે વગાડી શકતા હતા.

રહેમાને માસ્ટર ધનરાજ પાસેથી સંગીતની તાલિમ લીધી હતી.11 વર્ષની વયે રહેમાને ઇલૈયારાજાના ટ્રૂપ સાથે કિબોર્ડ વગાડનાર તરીકે જોડાયા હતા. રહેમાન એમ એસ વિશ્વનાથન, રમેશ નાઈડુ, રાજકોટી, ઝાકિર હુસૈન કુન્નાકુડી વૈદ્યનાથન અને એલ શંકર સાથે કામ કરેલુ છે.

એ આર રહેમાને મણિરત્નમની તમિલ ફિલ્મ રોજામાં કામ કર્યુ હતું. આ ફિલ્મમાં રહેમાનના સંગીતના વખાણ કરવામાં આવ્યા હતા. તેની શરૂઆતે જ રહેમાનને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ખાતે શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક માટેનો રજત કમલ પુરસ્કાર જીતાવી આપ્યો, જે પ્રથમ વાર ફિલ્મ કંપોઝ કરી રહેલા વ્યક્તિએ પુરસ્કાર મેળવ્યો હોય તેવો પ્રથમ પ્રસંગ હતો. ફિલ્મ રોજાનું સંગીત સફળ થતાં રહેમાને ત્યારબાદ પાછુ ફરીને જોયુ નથી. આટલાં વર્ષો પછી પણ ફિલ્મ રોઝાના ગીતો એટલાં જ કર્ણપ્રિય છે.

1995માં આવેલી ફિલ્મ રંગીલાનું ગીત તન્હા તન્હા પણ એટલું જ લોકપ્રિય થયું હતુ. આ ગીત આશા ભોંસલેએ ગાયુ હતું. તે જ વર્ષે ફિલ્મ બોમ્બનું તુ હી રે ગીત પણ લોકોમાં પ્રખ્યાત થયુ હતું. આ ગીત હરિહરન અને કવિતા ક્રિષ્નામૂર્તિએ ગાયુ હતું.

1997માં રહેમાને પોતાનો આલ્બમ મા તુઝે સલામ રીલિઝ કર્યો હતો. તેમાં રહેમાને મા તુઝે સલામ ગાયુ હતું. તે આજે પણ લોકોમાં ખૂબ જ પ્રિય છે.

1998માં આવેલી ફિલ્મ દિલ સેનું છૈયા છૈયા ગીતને તો ભૂલી શકાય તેમ જ નથી. તેણે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. આ ગીત સુખવિંદરે ગાયુ હતું. 2000માં આવેલી ફિલ્મ ફિઝાનું પિયા હાજી અલી.. પણ એટલું જ લોકપ્રિય થયુ હતું. ઓસ્કાર માટે નોમિનેટ થયેલી ફિલ્મ લગાનનું ગીત ઓ રે છોરી પણ લોકહૈયે ચડી ગયુ હતું.

સાથીયામાં પણ એ આર રહેમાને સંગીત પીરસ્યું હતું. 2006માં રંગ દે બસંતીનું રૂબરૂ પણ યુવાદિલો માટે યાદગાર રહ્યું છે.

સ્લમડોગ મિલિયનોરનું જય હો ગીતે ભારતમાં ધૂમ મચાવી દીધી હતી. 2008માં રહેમાને સ્લમડોગ મિલિયોનેરમાં સંગીત આપ્યું હતું.આ ફિલ્મ માટે ગોલ્ડન ગ્લોબ અને બે એકેડેમી પુરસ્કારો મળ્યા. રહેમાન પ્રથમ નાગરિક હતા કે જેમને આ સન્માન આપવામાં આવ્યું હોય. યુનાઇટેડ સ્ટેટ્સમાં, સાઉન્ડટ્રેકે ડાન્સ અને ઇલેક્ટ્રોનિક આલ્બમ્સ ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું અને બિલબોર્ડ 200 ચાર્ટમાં – 4 સુધી પહોંચ્યું. ગીત “જય હો” યુરોચાર્ટ હોટ 100 સિંગલ્સના બીજા ક્રમે અને યુએસ બિલબોર્ડ હોટ 100માં 15માં ક્રમે પહોંચ્યું હતું. જોધા અકબરનું ખ્વાજા મેરે ખ્વાજા અને દિલ્હી 6નું મસક્કલી પણ લોકપ્રિય બન્યા હતા.

ટાઇમ મેગેઝિને તેમને “મોઝાર્ટ ઓફ મદ્રાસ” ગણાવ્યા હતા અને ઘણા તમિલ કોમેન્ટેટરોએ તેમને ઇસાઇ પુયાલનું ઉપનામ આપ્યું હતું. ૨૦૦૯માં, મેગેઝિને ‘વિશ્વના સૌથી વગદાર વ્યક્તિઓ’ની ટાઇમ ૧૦૦ની યાદીમાં રહેમાનને સ્થાન આપ્યું હતું.

એ આર રહેમાને અનેક તમિલ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. રહેમાને હિન્દી ફિલ્મોમાં પણ સફળ સંગીત આપ્યું છે.

૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં તેમની ફિલ્મી કારકીર્દિની શરૂઆત થઇ હતી. તેમને અત્યાર સુધીમાં તેર ફિલ્મફેર પુરસ્કાર, ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, એક બાફ્ટા પુરસ્કાર, એક ગોલ્ડન ગ્લોબ, બે ગ્રેમી પુરસ્કારો અને બે એકેડેમી પુરસ્કારો જીત્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *