
Gen Z સૌથી પ્રામાણિક પેઢી’, વિરોધ કરનારને દેશદ્રોહી ન કહો: મોહન ભાગવત
Gen Z દેશભરમાં વિદ્યાર્થીઓ અને યુવાનોના વિરોધ પ્રદર્શન વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે નવી પેઢીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે તેમને Gen Z અને Gen Alpha પેઢી પર સંપૂર્ણ વિશ્વાસ છે અને સત્તાને સવાલ પૂછવો તેમજ સુધારાની માંગ કરવી એ યુવાનોનો લોકતાંત્રિક અધિકાર છે.
Gen Z ભાગવતે જણાવ્યું કે તેમની પેઢી વડીલોના આદેશો આંખ બંધ કરીને સ્વીકારતી હતી, જ્યારે આજની પેઢી દરેક બાબતમાં તર્ક, સમજણ અને પ્રેમથી જવાબ માંગે છે. તેમના મતે આ બદલાવ સમાજ માટે સકારાત્મક છે.
Gen Z વિરોધ કરનારાઓને દેશદ્રોહી ન ગણવા અપીલ
તાજેતરમાં દિલ્હી સહિતના વિસ્તારોમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી અંગે બોલતા મોહન ભાગવતે કહ્યું કે તેમની પાસે તમામ ઘટનાઓની સંપૂર્ણ માહિતી નથી, પરંતુ માત્ર રસ્તા પર ઉતરીને વિરોધ કરનાર યુવાનોને દેશદ્રોહી અથવા રાષ્ટ્રવિરોધી ગણાવવું યોગ્ય નથી.
તેમણે કહ્યું કે જો યુવાનો અવાજ ઉઠાવી રહ્યા હોય તો તેનો અર્થ એ નથી કે તેઓ દેશના વિરોધમાં છે. તેઓ વ્યવસ્થામાં સુધારો ઇચ્છે છે. આવા યુવાનો સાથે સંવાદ, કરુણા અને સંવેદનાથી વાત કરવી જોઈએ.
‘Gen Z દેશની સૌથી પ્રામાણિક પેઢી’
મોહન ભાગવતે Gen Z ને દેશની સૌથી પ્રામાણિક પેઢી ગણાવતા કહ્યું કે આજના યુવાનો પોતાના વિચારો નિર્ભયતાથી રજૂ કરે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માંગે છે. તેથી તેમના અવાજને સાંભળવો અને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
Gen Z શિક્ષણમાં સુધારા અને 6% બજેટ ફાળવણીની માંગ
શિક્ષણ વ્યવસ્થા અંગે તેમણે જણાવ્યું કે શિક્ષણને વેપાર બનાવવું યોગ્ય નથી. વર્ષોથી ઉઠતી માંગ મુજબ દેશના કુલ બજેટમાંથી 6 ટકા ફાળવણી શિક્ષણ માટે થવી જોઈએ, તે યોગ્ય છે.
તેમણે ઉમેર્યું કે શિક્ષણ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. ફી માળખામાં સુધારો, શિક્ષકોને ગુણવત્તાસભર તાલીમ અને શિક્ષણનો આર્થિક બોજ ઘટાડવા માટે વ્યાપક સુધારાની જરૂરિયાત છે.
Gen Z પાકિસ્તાન, ચીન અને LGBTQ+ મુદ્દે પણ વ્યક્ત કર્યું વલણ
પોતાના સંબોધનમાં મોહન ભાગવતે પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો અંગે જણાવ્યું કે સંઘર્ષની સ્થિતિમાં દેશવાસીઓએ સરકારના નિર્ણયોની સાથે મજબૂતીથી ઊભા રહેવું જોઈએ. તેમણે કહ્યું કે કાયમી નફરત કોઈ સમસ્યાનો ઉકેલ નથી અને સમગ્ર માનવતા એક છે.
LGBTQ+ સમુદાય અંગે તેમણે કહ્યું કે તેઓ પણ સમાજનો અભિન્ન હિસ્સો છે અને ભારતીય પરંપરામાં આવા લોકોને સ્વીકારવાની પરંપરા રહી છે. જોકે, લગ્નને તેમણે સમાજનો પાયાનો એકમ ગણાવ્યો અને તેના પર પોતાના વિચારો વ્યક્ત કર્યા.
