
5 જૂને ગુજરાતને ₹12,421 કરોડના હાઇવે પ્રોજેક્ટ્સની ભેટ આપશે PM મોદી
વડાપ્રધાન PM Narendra Modi 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ ₹12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેનાથી દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં કનેક્ટિવિટી અને આર્થિક વિકાસને ગતિ મળશે.
વડાપ્રધાન ₹7,689 કરોડના ખર્ચે નિર્મિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ-6 અને પેકેજ-7નું લોકાર્પણ કરશે. તેમાં 36 કિમી લાંબો કીમ-એના સેક્શન અને 27.5 કિમી લાંબો ગણદેવા-એના સેક્શન સામેલ છે. આ 8-લેન માર્ગ પર બ્રિજ, ફ્લાયઓવર, રેલવે ઓવરબ્રિજ, 70 અંડરપાસ અને બે ઇન્ટરચેન્જ સહિતની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
આ ઉપરાંત ₹4,732 કરોડના ખર્ચે ચાર નવા માર્ગ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. તેમાં NH-56ના ધમાસીયા-બિટાડા અને નસારપોર-મલોથા સેક્શનના ફોર-લેનિંગ તેમજ હજીરા-સુરત NH-53 પર 6-લેન ફ્લાયઓવર અને વ્હીકલ અંડરપાસના નિર્માણનો સમાવેશ થાય છે.
NH-56ના અપગ્રેડેશનથી Statue of Unity તેમજ નર્મદા, તાપી, વલસાડ અને છોટા ઉદેપુર જેવા આદિજાતિ જિલ્લાઓની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. 107.67 કિમી લાંબા ફોર-લેન માર્ગથી મુસાફરીના સમયમાં આશરે 40 મિનિટનો ઘટાડો અને વાહનોની સરેરાશ ગતિમાં 75 ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે.
હજીરા વિસ્તારમાં ₹149 કરોડના ખર્ચે 6-લેન ફ્લાયઓવર અને વ્હીકલ અંડરપાસનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી હજીરા બંદર અને ઔદ્યોગિક વિસ્તારો તરફ જતા ભારે વાહનોની અવરજવર વધુ ઝડપી અને સુરક્ષિત બનશે. આ પ્રોજેક્ટ્સથી ટ્રાફિકની ભીડ ઘટશે અને દરિયાઈ વેપાર તેમજ ઔદ્યોગિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે.
સરકારના જણાવ્યા અનુસાર આ તમામ પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતમાં પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનશે, લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે અને સ્થાનિક ઉદ્યોગો તથા વેપાર ક્ષેત્રને મોટો લાભ મળશે.