WOMAN DIES IN HAMIRSAR BHUJ : હમીરસર તળાવમાં ડૂબી જતાં 54 વર્ષીય મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી.

ભુજના જેસ્ટા નગરમાં રહેતા 54 વર્ષીય ચંદ્રિકાબેન રાઠોડનો મૃતદેહ હમીરસર તળાવમાંથી મળી આવ્યો છે. ચંદ્રિકાબેન માનસિક અસ્વસ્થતાના કારણે ઘરેથી નીકળી ગયા હતા. આજે સવારે 6 વાગ્યે સ્થાનિક લોકોને તળાવમાં મહિલાનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો.

તરત જ એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ફાયર વિભાગની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો હતો.

ફાયર વિભાગના ઈ.સ્ટેશન ફાયર ઓફિસર દિલીપ ચૌહાણની સૂચના મુજબ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વોટર રેસ્ક્યુના સાધનોની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ રેસ્ક્યુ ઓપરેશનમાં ભુજ ફાયર વિભાગના ડી.સી.ઓ. જગદીશભાઈ દનીચા, મામદભાઈ જત, ભગતસિંહ જાડેજા અને જીજ્ઞેશભાઈ જેઠવા સહિત ફાયરમેન સુનિલભાઈ મકવાણા, સત્યજિતસિંહ ઝાલા, રમેશભાઈ ગાગલ અને રફીકભાઈ ખલીફા જોડાયા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.