MGNREGA FUNDS MISUSED : ગરીબો માટે બનેલી યોજનામાં 1 કરોડ શ્રમિકો ચોપડે નોંધાયા પણ કામ ફક્ત 13 લાખને જ મળ્યું.

MGNREGA FUNDS MISUSED : મનરેગા યોજનાનો મૂળભૂત હેતુ આદિવાસી-પછાત વિસ્તારોમાં ગરીબોને રોજગાર મળી રહે તે રહ્યો છે. પરંતુ, ગુજરાતમાં મનરેગા યોજના કમાણીની યોજના બની રહી છે. તેનુ કારણ છે કે, ગરીબોને રોજગાર આપવાને બદલે મળતિયાઓને લાભ આપવાનો હેતુ વધી રહ્યો છે. ગુજરાતમાં અંદાજે એક કરોડ મજૂરો ચોપડે નોંધાયેલાં છે ત્યારે માત્ર 13 લાખ મજૂરોને જ મનરેગા યોજના હેઠળ રોજગાર મળી શક્યો છે.

આ યોજનામાં એવી જોગવાઈ છે કે, ચેકડેમ, રસ્તા સહિત અન્ય કામો કરવા હોય તો ગ્રાન્ટની 60 ટકા રકમ મટિરિયલ્સ, જ્યારે 40 ટકા રકમ મજૂરોના વેતન પાછળ ખર્ચાવવી જોઈએ. ગુજરાતમાં દાહોદ, જાંબુઘોડા મનરેગા કૌભાંડમાં એવું જોવા મળ્યુ છે કે, મટિરિયલ્સ પાછળ બમણો ખર્ચ કરવામા આવ્યો છે જ્યારે મજૂરોના વેતન પાછળ ઘણો ઓછો ખર્ચ કરાયો છે. ભાજપના જ મંત્રીપુત્રો-મળતિયાઓને લાભ કરાવવા માટે મટિરિયલ્સ પાછળ ખર્ચ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે.
કેન્દ્ર સરકારે એવો ખુલાસો કર્યો છે કે, ગુજરાતમાં મનરેગા યોજનામાં મજૂરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2022-23માં મનરેગા યોજના અંતર્ગત 16 લાખ મજૂરોને રોજગાર મળી શક્યો હતો. જ્યારે વર્ષ 2023-24માં આ યોજના હેઠળ 15 લાખ મજૂરોને મજૂરી મળી શકી હતી. વર્ષ 2024-25માં 13 લાખ મજૂરોને રોજગારી આપી શકાઈ હતી. આમ, છેલ્લાં બે વર્ષમાં મનરેગાના મજૂરોની સંખ્યામાં બે લાખનો ઘટાડો થયો છે.
મનરેગામાં અંદાજે 1 કરોડ મજૂરો ચોપડે નોંધાયેલાં છે તેમ છતાંય માત્ર 13 લાખને જ મજૂરી મળી શકી છે. આ પરથી એ વાત સાબિત થાય છે કે, રોજગારલક્ષી મનરેગા પણ ગરીબ મજૂરોને રોજગાર આપી શકી નહીં.
મનરેગા યોજના માટે કેન્દ્રએ વર્ષ 2022-23માં 1692 કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં 1802 કરોડ અને વર્ષ 2024-25માં 1540 કરોડ ફંડ ગુજરાતને ફાળવ્યુ હતું. વર્ષ 2024-25માં કેન્દ્રએ મનરેગાની યોજનામાં ગુજરાતને 300 કરોડ ઓછા ફાળવ્યાં હતા. ટૂંકમાં, આદિવાસી-પછાત વિસ્તારોમાં મનરેગા થકી રોજગારી આપવાનો મૂળ હેતુ સિદ્ધ થઈ શક્યો નથી.