BRICS CONDEMNS PAHALGAM ATTACK : મોદીએ BRICSમાં કહ્યું, આતંકવાદની નિંદા એ આપણો સિદ્ધાંત હોવો જોઈએ, સુવિધા નહીં.

BRICS CONDEMNS PAHALGAM ATTACK : મોદીએ BRICSમાં કહ્યું, આતંકવાદની નિંદા એ આપણો સિદ્ધાંત હોવો જોઈએ, સુવિધા નહીં.

BRICS
BRICS

BRICS : રવિવારે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત 17મી બ્રિક્સ સમિટમાં સભ્ય દેશોએ 31 પાનાં અને 126 મુદ્દાનું સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડ્યું. એમાં પહેલગામ આતંકવાદી હુમલા અને ઈરાન પર ઇઝરાયલી હુમલાની નિંદા કરવામાં આવી હતી.

બ્રાઝિલમાં ચાલી રહેલા બ્રિક્સ સમિટ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને મોટી ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે જો બ્રિક્સ દેશો અમેરિકાવિરોધી નીતિને સમર્થન આપશે તો તેમના પર વધારાનો 10 ટકા ટેરિફ લગાવવામાં આવશે.

BRICS 1
BRICS 1

આ પહેલાં 1 જુલાઈના રોજ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના બનેલા ક્વાડ ગ્રુપના વિદેશમંત્રીઓની બેઠકમાં પહેલગામ હુમલાની નિંદા કરવામાં આવી હતી.

BRICS : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સમિટમાં કહ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલો ફક્ત ભારત પર નહીં, પરંતુ સમગ્ર માનવતા પર હુમલો છે. આતંકવાદની નિંદા એ આપણો સિદ્ધાંત હોવો જોઈએ, સુવિધા નહીં. આ સાથે તેમણે નવા વિશ્વ વ્યવસ્થાની માગણી પણ ઉઠાવી.

BRICS 2
BRICS 2

BRICS : પીએમ મોદીએ કહ્યું હતું, ’20મી સદીમાં રચાયેલી વૈશ્વિક સંસ્થાઓ 21મી સદીના પડકારોનો સામનો કરવામાં અસમર્થ છે. AIના યુગમાં ટેકનોલોજી દર અઠવાડિયે અપડેટ થાય છે, પરંતુ વૈશ્વિક સંસ્થા 80 વર્ષમાં એકવાર પણ અપડેટ થતી નથી. 20મી સદીના ટાઇપરાઇટર 21મી સદીનું સોફ્ટવેર ચલાવી શકતાં નથી.’

બ્રિક્સ દેશો પર ભડક્યા ટ્રમ્પ ! ‘અમેરિકનવિરોધી નીતિઓ’નું સમર્થન કરનારાઓ પર વધારાના 10% ટેરિફની ધમકી આપી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સમાં જોડાનારા દેશોને ધમકી આપી. તેમણે રવિવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે જે પણ દેશ અમેરિકાવિરોધી BRICS નીતિઓ સાથે જોડાશે તેના પર વધારાનો 10% ટેરિફ વસૂલવામાં આવશે. આમાંથી કોઈને પણ છૂટ આપવામાં આવશે નહીં.

ખરેખરમાં, BRICS ઘોષણા પત્રમાં વિશ્વ વેપાર સંગઠન (WTO)ના નિયમો વિરુદ્ધ વધતા ટેરિફ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ ટેરિફને વૈશ્વિક વેપાર અને સપ્લાય ચેઇન માટે જોખમભર્યો ગણવામાં આવ્યો હતો. જોકે, આ મામલે યુએસનું સીધું નામ લેવામાં આવ્યું ન હતું.

 

BRICS  દેશોના સંયુક્ત ઘોષણાના મુખ્ય મુદ્દાઓ…

  • નવા સભ્ય અને ભાગીદાર દેશો : ઇન્ડોનેશિયાને બ્રિક્સનું પૂર્ણ સભ્ય બનાવવામાં આવ્યું. બ્રિક્સ ભાગીદાર દેશો તરીકે બેલારુસ, બોલિવિયા, કઝાકિસ્તાન, ક્યુબા, નાઇજિરિયા, મલેશિયા, થાઇલેન્ડ, વિયેતનામ, યુગાન્ડા અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ કરાયો હતો.
  • સંયુક્ત રાષ્ટ્રમાં ભારત અને બ્રાઝિલની ભૂમિકા: ચીન અને રશિયાએ સંયુક્ત રાષ્ટ્રમાં ખાસ કરીને સુરક્ષા પરિષદ (UNSC)માં ભારત અને બ્રાઝિલ માટે મોટી ભૂમિકાને ટેકો આપ્યો.
  • આબોહવા પરિવર્તન અને COP30: BRICS દેશોએ COP30ની સફળતા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, જે UNFCCC અને પેરિસ કરારને અમલમાં મૂકવામાં મદદ કરશે. 2028માં COP33ની યજમાની માટે ભારતની ઉમેદવારીનું સ્વાગત કરાયું.
  • બ્રિક્સ અધ્યક્ષતા: બ્રાઝિલના 2025ના રાષ્ટ્રપતિપદની પ્રશંસા કરવામાં આવી હતી. ભારતને 2026માં બ્રિક્સ અધ્યક્ષપદ સંભાળવા અને 18મા બ્રિક્સ સમિટનું આયોજન કરવા માટે સમર્થન આપવામાં આવ્યું હતું.
  • ગેરકાયદે પ્રતિબંધોની નિંદા: બ્રિક્સ દેશો એકપક્ષીય પ્રતિબંધોની નિંદા કરે છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટર વિરુદ્ધ છે.
  • વૈશ્વિક વેપાર: એકપક્ષીય ટેરિફ લાદવાના નિર્ણયો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, જે વિશ્વ વેપાર સંગઠન (WTO)ના નિયમો વિરુદ્ધ છે. વિકાસશીલ દેશો સાથે ભેદભાવ રહિત વ્યવહાર સહિત પારદર્શક, વધુ સમાવિષ્ટ વેપાર પ્રણાલીને ટેકો આપવામાં આવ્યો.
  • આતંકવાદ સામે એકતા: આતંકવાદને કોઈપણ ધર્મ, દેશ, સભ્યતા કે વંશીય જૂથ સાથે જોડવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ઈરાન પર ઇઝરાયલી હુમલાની સખત નિંદા કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો સામે નક્કર કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા અને બેવડા ધોરણોનો અસ્વીકાર પર ભાર મૂકવામાં આવ્યો.
  • બિગ કેટ્સ એલાયન્સ: ભારતની ‘ઇન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ’ પહેલ, જેનો ઉદ્દેશ દુર્લભ પ્રજાતિઓ, ખાસ કરીને બિગ કેટ્સ (દા.ત. સિંહ, વાઘ)ના સંરક્ષણ માટે સહયોગ કરવાનો છે, એનું સ્વાગત કરવામાં આવ્યું.
  • ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB): ગ્લોબલ સાઉથમાં વિકાસ અને આધુનિકીકરણમાં વધતી જતી ભૂમિકા માટે NDBની પ્રશંસા કરવામાં આવી હતી. સ્થાનિક ચલણ ધિરાણ, નવીનતા અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સ માટે બેંકનો ટેકો વધારવામાં આવશે એવું કહેવાય છે.

PM મોદીના ભાષણના અન્ય મુખ્ય મુદ્દાઓ…

ગ્લોબલ સાઉથ સામે ભેદભાવ:

1. PM મોદીએ કહ્યું હતું કે ગ્લોબલ સાઉથ ડેવલપમેન્ટ, રિસોર્સ ડેસ્ટ્રિબ્યુશન અને સુરક્ષા જેવા મુદ્દાઓમાં બેવડા ધોરણોનો ભોગ બન્યું છે.
2.ગ્લોબલ સાઉથનાં હિતોને પ્રાથમિકતા આપવામાં આવી ન હતી, પરંતુ ભારત હંમેશાં માનવતાનાં હિતમાં પોતાના હિતોથી પર રહીને કામ કરે છે.
બ્રિક્સનું વિસ્તરણ અને સુધારા:

1. બ્રિક્સનું વિસ્તરણ અને નવા દેશોનો સમાવેશ સમય સાથે પરિવર્તન લાવવાની એની ક્ષમતા દર્શાવે છે.
2. PM મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC), વિશ્વ વેપાર સંગઠન (WTO) અને નવી વિકાસ બેંકમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
આતંકવાદ પર કડક વલણ:

1. પીએમ મોદીએ આતંકવાદને માનવતા માટે સૌથી મોટો પડકાર ગણાવ્યો.
2. 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો ભારતનાં આત્મા, ઓળખ અને ગૌરવ પર હુમલો છે, જે સમગ્ર માનવતા વિરુદ્ધ છે.
આતંકવાદ સામે કડક કાર્યવાહીની માગ:

1. આતંકવાદીઓ પર પ્રતિબંધ મૂકવામાં કોઈ ખચકાટ ન હોવો જોઈએ. આતંકવાદના પીડિતો અને સમર્થકોને એક જ માપદંડ પર તોલી શકાય નહીં.
2. વ્યક્તિગત કે રાજકીય લાભ માટે આતંકવાદને મૌન સમર્થન આપવું સ્વીકાર્ય નથી.
શાંતિ અને સહયોગ પર ભાર:

1. પશ્ચિમ એશિયાથી યુરોપ સુધી ફેલાતા સંઘર્ષ અને તણાવ, ખાસ કરીને ગાઝાની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી.
2. બુદ્ધ અને ગાંધીની ભૂમિ, ભારત યુદ્ધ અને હિંસાને નકારે છે. શાંતિ એ માનવતાના કલ્યાણનો એકમાત્ર માર્ગ છે.
3. ભારત વિશ્વને વિભાજન અને સંઘર્ષથી દૂર કરીને સંવાદ, સહયોગ અને એકતા તરફ લઈ જવાના દરેક પ્રયાસને સમર્થન આપે છે.
4. ભારત બધા મિત્ર દેશો સાથે સહયોગ અને ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે.

પીએમ મોદી રિયો પછી બ્રાઝિલિયા જશે

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટ યોજાઈ રહ્યું છે. પીએમ મોદીએ રવિવારે એમાં હાજરી આપી હતી. તેઓ બ્રાઝિલના 3 દિવસના પ્રવાસે છે.

સોમવારે, એટલે કે આજે સાંજે, તેઓ બ્રિક્સ પર્યાવરણ સંબંધિત ફોરમમાં ભાગ લેશે. આ પછી તેઓ રાજધાની બ્રાઝિલિયાની પણ મુલાકાત લેશે. બ્રાઝિલિયામાં, પીએમ મોદી રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત અને બ્રાઝિલ આજે ચાર કરાર પર હસ્તાક્ષર કરશે.

રિન્યૂએબલ એનર્જી, આતંકવાદવિરોધી સહયોગ, કૃષિ સંશોધન, ગુપ્ત માહિતીનું આપ-લે

મોદીએ કહ્યું, ગ્લોબલ સાઉથ બેવડા ધોરણોનો શિકાર

પ્રધાનમંત્રીએ કહ્યું, ‘ગ્લોબલ સાઉથના દેશો ઘણીવાર બેવડા ધોરણોનો ભોગ બન્યા છે. વિકાસ હોય, સંસાધનો હોય કે સુરક્ષા સંબંધિત મુદ્દાઓ હોય, ગ્લોબલ સાઉથને ક્યારેય પ્રાથમિકતા આપવામાં આવી નથી. તેમના વિના વૈશ્વિક સંસ્થાઓ એક મોબાઇલ ફોન જેવી છે, જેમાં સિમ કાર્ડ હોય, પણ નેટવર્ક ન હોય.’

PM મોદીએ વધુમાં કહ્યું, ‘જે દેશો વૈશ્વિક અર્થતંત્રમાં વધુ યોગદાન આપે છે તેમને નિર્ણય લેવાનો અધિકાર નથી. આ ફક્ત પ્રતિનિધિત્વનો પ્રશ્ન નથી, પણ વિશ્વસનીયતા અને અસરકારકતાનો પણ પ્રશ્ન છે.’

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટ યોજાઈ રહી છે. PM મોદીએ એમાં ભાગ લીધો છે. તેઓ આજથી બ્રાઝિલના 3 દિવસના પ્રવાસે છે. આ વખતે બ્રિક્સનો એજન્ડા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો યોગ્ય ઉપયોગ, ક્લાઇમેટ એક્શન, વૈશ્વિક સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ છે.

બ્રિક્સ શું છે?બ્રિક્સ એ 11 મુખ્ય ઊભરતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. આમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સંયુક્ત આરબ અમીરાત (UAE), સાઉદી અરેબિયા અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે.

એનો હેતુ આ દેશો વચ્ચે આર્થિક, રાજકીય અને સામાજિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. શરૂઆતમાં એમાં 4 દેશ હતા, જેને BRIC કહેવામાં આવતું હતું. આ નામ 2001માં ગોલ્ડમેન સૅક્સના અર્થશાસ્ત્રી જિમ ઓ’નીલે આપ્યું હતું.

પછી તેમણે કહ્યું હતું કે આગામી દાયકાઓમાં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન વૈશ્વિક અર્થતંત્રને આગળ ધપાવશે. પાછળથી આ દેશો ભેગા થયા અને આ નામ અપનાવ્યું.

બ્રિક્સ બનાવવાની જરૂરિયાત અને આગળની સફર

સોવિયેત યુનિયનના પતન પછી અને 2000ના દાયકાની શરૂઆતમાં વિશ્વ અર્થતંત્ર પશ્ચિમી દેશોના કબજામાં હતું. યુએસ ડોલર અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ નિર્ણયો લીધા હતા.

આ અમેરિકન વર્ચસ્વ ઘટાડવા માટે રશિયા, ભારત, ચીન અને બ્રાઝિલ BRIC તરીકે ભેગા થયા, જે પાછળથી BRICS બન્યા. આ દેશોનો ઉદ્દેશ ગ્લોબલ સાઉથ, એટલે કે વિકાસશીલ અને ગરીબ દેશોનો અવાજ મજબૂત કરવાનો હતો.

2008-2009માં જ્યારે પશ્ચિમી દેશો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બ્રિક્સ દેશોની અર્થવ્યવસ્થા ઝડપથી વિકસી રહી હતી.

આર્થિક કટોકટી પહેલાં પશ્ચિમી દેશો વિશ્વના અર્થતંત્રના 60%થી 80% પર નિયંત્રણ રાખતા હતા, પરંતુ મંદી દરમિયાન BRICS દેશોના આર્થિક વિકાસે દર્શાવ્યું કે તેમની પાસે ઝડપથી વિકાસ કરવાની અને પશ્ચિમી દેશો સાથે સ્પર્ધા કરવાની ક્ષમતા છે.

2009માં રશિયાના યેકાટેરિનબર્ગમાં યોજાયેલી એક બેઠકમાં બ્રિક્સ દેશોએ એક બહુધ્રુવીય વિશ્વની કલ્પના કરી હતી, જ્યાં પશ્ચિમી દેશોની આર્થિક પકડ નબળી હોય અને બધા દેશોને સમાન અધિકારો મળે.

2014માં BRICSએ એક મોટું પગલું ભર્યું અને ન્યૂ ડેવલપમેન્ટ બેંકની રચના કરી, જે માળખાગત સુવિધાઓ માટે ભંડોળ પૂરું પાડે છે. આ સાથે એક રિઝર્વ ફંડ પણ બનાવવામાં આવ્યું, જેથી આર્થિક સંકટના સમયમાં આ દેશોને યુએસ ડોલર પર નિર્ભર ન રહેવું પડે.

બ્રાઝિલમાં યોજાઈ રહેલી BRICS સમિટ શા માટે ખાસ છે?

BRICS સમિટ 2025 બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ‘ગ્લોબલ ઓર્ડર માટે ગ્લોબલ સાઉથનું સહયોગ’ થીમ હેઠળ યોજાઈ રહી છે.

આ બેઠકમાં પહેલીવાર 11 સભ્ય દેશો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત 13 ભાગીદાર દેશો પણ ભાગ લઈ રહ્યા છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા BRICSને પશ્ચિમવિરોધી સંગઠનને બદલે એક સમાવેશી સંગઠન તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એનો હેતુ સમાવેશી વિકાસ, ખાદ્ય સુરક્ષા અને આબોહવા ન્યાય જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે.

BRICS સમિટ 2025નું ધ્યાન 3 મુદ્દા પર રહેશે-

પ્રથમ- ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પેમેન્ટ સિસ્ટમ
બીજું- કૃત્રિમ બુદ્ધિ (AI) માટેના નિયમો
ત્રીજું- સભ્ય દેશોમાં સ્થાનિક ચલણમાં વેપાર

BRICS પશ્ચિમી દેશો માટે એક પડકાર છે

છેલ્લાં ઘણાં વર્ષોથી BRICS દેશોમાં SWIFT ચુકવણી પ્રણાલીની જેમ પોતાની ચુકવણી પ્રણાલી બનાવવા અંગે ચર્ચા ચાલી રહી છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ સર્વસંમતિ બની નથી અને કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી.

2023માં, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ એક સમિટ દરમિયાન કહ્યું હતું કે BRICS સંગઠનના દેશોએ વેપાર માટે એક નવી ચલણ બનાવવાની જરૂર છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આપણે ડોલરમાં વેપાર કેમ કરી રહ્યા છીએ.

BRICS દેશો દ્વારા પોતાની ચુકવણી પ્રણાલી અને ચલણ બનાવવાનો વિચાર હંમેશાં પશ્ચિમી દેશો, ખાસ કરીને અમેરિકા માટે ચિંતાનો વિષય રહ્યો છે.

શપથ ગ્રહણ કરતાં પહેલાં જ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે ડિસેમ્બરમાં ચેતવણી આપી હતી કે જો BRICS દેશો આવું કરશે તો તેમને 100% ટેરિફનો સામનો કરવો પડશે. ટ્રમ્પે એને યુએસ ડોલરને નબળા પાડવાનું કાવતરું ગણાવ્યું હતું, જોકે આ બધા વચ્ચે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ડિસેમ્બર 2024માં કતારની રાજધાની દોહામાં એક મંચ પર બોલતાં જયશંકરે કહ્યું હતું કે ભારતને યુએસ ડોલરને નબળો પાડવામાં કોઈ રસ નથી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *