
ગાંધીનગર કમલમ પાસે ભેખડ ધસી પડતા ત્રણ દટાયા, એકનું મોત:ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, બચાવ કામગીરી હાથ ધરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
ગાંધીનગરના કોબા કમલમ પાસે આવેલી શ્રીજી એરિસ કન્સ્ટ્રક્શન સાઈટ પર આજે ભેખડ ધસી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ મજૂરો દટાઈ ગયા હતા. જેમાં રાજસ્થાનના ડુંગરપુર નિવાસી 30 વર્ષીય અજય પરમારનું મોત નિપજ્યું હતું.
ગાંધીનગર પોલીસ કંટ્રોલના હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈએ સવારે 11:40 વાગ્યે ફાયર કંટ્રોલને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમ બે મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દુર્ઘટનામાં બે મજૂરો ઘાયલ થયા છે. 45 વર્ષીય નટવરભાઈ ડામોર અને 19 વર્ષીય ચિરાગ ડામોર બંનેને તાત્કાલિક સારવાર માટે નાના ચિલોડા સ્થિત અક્ષર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કન્સ્ટ્રક્શન સાઈટના બિલ્ડર પ્રકાશ મધુભાઈ પટેલ છે. ફાયર બ્રિગેડની ટીમે બપોરે 1:10 વાગ્યે રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ કર્યું હતું.