
ક્રિસમસમાં મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં ફરવા આવેલી ૧૮ વર્ષની પર્યટક કન્યા પર બળાત્કારના આરોપસર પનવેલ પાસેના ગામમાંથી ૨૬ વર્ષના રિક્ષાવાળાની ધરપકડ કરવામાં આવી હતી. છત્તીસગઢના જશપુરથી આવેલી ટીનેજર પર બળાત્કારની ઘટના ગઈ ૨૭ ડિસેમ્બરે બની હતી. રવિવારે ગુનો કર્યા પછી ૧૨ કલાકમાં પનવેલ પાસેના બરવાઈ ગામમાં રહેતા આરોપીની તેના ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હોવાનું પનવેલ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અજયકુમાર લાંડગેએ જણાવ્યું હતું.વધુ વિશ્વસનીય માહિતી અનુસાર
અજયકુમાર લાંડગેએ વધુમાં જણાવ્યું હતું કે ‘છત્તીસગઢથી પ્રવાસે નીકળેલી એ યુવતી ઝારખંડ અને દિલ્હી થઈને ૨૨ ડિસેમ્બરે મુંબઈના બાંદરા રેલવે સ્ટેશને પહોંચી હતી. બાંદરા રેલવે સ્ટેશનના ટિકિટચેકરને એ છોકરી એકલી જણાતાં તેને ચાઇલ્ડ હેલ્પલાઇનના કાર્યકરોને સોંપી હતી. ત્યાર પછી તેને શેલ્ટર હોમમાં રાખ્યા પછી ઘરે જવા દેવામાં આવી હતી. ક્રિસમસ અને ન્યુ યર મુંબઈમાં ઊજવવાના ઇરાદે આવેલી છોકરી ૨૬ ડિસેમ્બરે પનવેલ પહોંચી હતી. એ છોકરીને સ્ટેશન પર એક યુવક જોડે દોસ્તી થતાં એક દિવસ તેની જોડે રહી હતી. તેણે ૨૭ ડિસેમ્બરે પનવેલના ગાંધી ગાર્ડન વિસ્તારમાં જવા માટે રિક્ષા ભાડે કરી હતી. રિક્ષાવાળો તેને ગાંધી ગાર્ડન તરફ લઈ જવાને બદલે વાડઘર નદીકિનારે લઈ ગયો હતો. ત્યાં મારી નાખવાની ધમકી આપીને ઝાડીઝાંખરામાં ખેંચી જઈને તેના પર બળાત્કાર કર્યો હતો. પોલીસે બાતમીદારોની મદદથી માહિતી મેળવીને ગુનેગારને શોધી કાઢ્યો હતો.