
ભુજના શિવાલિકા ગ્રુપની સરાહનીય પહેલ: ત્રણ ગામના નવરાત્રી પાસની આવક ગૌસેવા માટે અપાશે
KUTCH કાળી તલાવડી, પધ્ધર અને લાખોંદ ગામની ગૌશાળાઓને મળશે દાન; બહેન-દીકરીઓના સન્માન સાથે આયોજકોએ સેવાભાવનો સંદેશ આપ્યો

ભુજ: ભુજમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરનાર શિવાલિકા ગ્રુપ દ્વારા સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડતો નિર્ણય લેવામાં આવ્યો છે. કાળી તલાવડી, પધ્ધર અને લાખોંદ ગામના લોકો પાસેથી નવરાત્રીના અંતિમ દિવસે પાસના વેચાણ દ્વારા એકત્ર થનારી સમગ્ર રકમ સંબંધિત ગામની ગાયો માટે દાન કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલો ત્રણેય ગામના ગ્રામજનો દ્વારા બહેન-દીકરીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવાની રજૂઆત બાદ સામે આવ્યો હતો. ગ્રામજનોની રજૂઆતને પગલે આયોજકો, ગામના આગેવાનો અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.
ચર્ચા બાદ નક્કી કરવામાં આવ્યું કે નવરાત્રીના અંતિમ દિવસે ત્રણેય ગામના લોકો પાસ ખરીદીને પ્રવેશ મેળવશે. આ પાસના વેચાણમાંથી એકત્ર થતી સંપૂર્ણ રકમ ગૌસેવા માટે વાપરવામાં આવશે.
આ નિર્ણય મુજબ કાળી તલાવડી ગામના પાસની આવક ત્યાંની ગાયો માટે, પધ્ધર ગામના પાસની આવક પધ્ધરની ગાયો માટે અને લાખોંદ ગામના પાસની આવક લાખોંદની ગાયો માટે અર્પણ કરવામાં આવશે.
KUTCH ત્રણેય ગામના આગેવાનોએ આ નિર્ણયને આવકાર્યો છે.ઉત્સવની સાથે સેવાકાર્યનો સંદેશ
શિવાલિકા ગ્રુપ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય નવરાત્રીના આયોજનને સામાજિક સેવા સાથે જોડવાનો પ્રયાસ છે. બહેન-દીકરીઓની સુવિધા અને ગૌસેવાના હેતુને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયથી ધાર્મિક ઉત્સવોમાં સામાજિક જવાબદારીનું મહત્વ પણ ઉજાગર થયું છે.
આ પહેલ દ્વારા શિવાલિકા ગ્રુપે નવરાત્રી માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ સમાજસેવા અને જીવદયા જેવા કાર્યો માટે પણ ઉપયોગી બની શકે છે તેવો સંદેશ આપ્યો છે.
