જૈન સંઘના ઉપક્રમે નીકળેલી ચૈત્યપરિપાટીમાં માંડવીના સકળ સંઘના ભાવિકો જોડાયા

માંડવીમાં અચલગચ્છ જૈન સંઘના ઉપક્રમે નીકળેલી ચૈત્યપરિપાટીમાં માંડવીના સકળ સંઘના ભાવિકો જોડાયા. સંઘપતિ બનવાનો લાભ શ્રીમતી જ્યોતિબેન અરવિંદભાઈ ગાલાએ લીધો.

માંડવીમાં અચલગચ્છ જૈન સંઘના ઉપક્રમે તા. ૦૩/૦૯ ને રવિવારના ૬ વાગ્યે નીકળેલી ચૈત્યપરિપાટીમાં માંડવીના સકળ સંઘના ભાવિકો જોડાયા હતા.

માંડવીની છાપરા શેરી પાસે આવેલા અચલગચ્છ જૈન સંઘના ઉપાશ્રયેથી પ. પૂ. આગમકિરણાશ્રીજી આદિઠાણા 3ની નિશ્રામાં વાજતે – ગાજતે આ ચૈત્યપરિપાટી બંદર રોડ ઉપર આવેલા શ્રી અજીતનાથજી દાદા ના દરબારે પગપાળા સંઘ સ્વરૂપે નીકળી હતી.સંઘપતિ શ્રીમતી જ્યોતિબેન અરવિંદભાઈ કુંવરજી ગાલા સાથે ચૈત્ય પરિપાટી માં માંડવીના સકળ સંઘના ભાઈઓ, બહેનો અને બાળકો જોડાયા હોવાનું અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ અને જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
શ્રી અજીતનાથજી જિનાલયમાં અજીતનાથદાદા નો ભાવિકોએ જુહારી – દર્શન વંદન કરી – ચૈત્ય વંદન કરી, સ્નાત્ર પૂજા ભણાવી હતી.

શ્રી કચ્છીદશા ઓસવાળ જૈન મહાજન માંડવીના ટ્રસ્ટી મંડળે, સંઘપતિ નો લાભ લેનાર શ્રીમતી જ્યોતિબેન અરવિંદભાઈ કુંવરજી ગાલા પરિવારનું સન્માન કરેલ હતું. આ પ્રસંગે જુદા જુદા દાતા તરફથી 40 રૂપિયાનું સંઘ પૂજન કરવામાં આવેલ હતું. માંડવીમાં 31 વર્ષથી કાર્યરત જન કલ્યાણ મેડિકલ સોસાયટી ના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ખજાનચી નિશાંતભાઈ શાહ અને ટ્રસ્ટી દિનેશભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચૈત્યપરિપાટી ના સમાપન બાદ ચૈત્યપરીપાટીમાં પગપાળા ચાલનારા સકળ સંઘના ભાવિકોને સંઘપતિ શ્રીમતી જ્યોતિબેન અરવિંદભાઈ ગાલા તરફથી નવકારશી કરવામાં આવી હતી. અજીતનાથજી જિનાલયના ટ્રસ્ટી વિનયભાઈ શાહ, તિલકભાઈ ડાઘા અને કૃણાલભાઈ ડાઘાએ વ્યવસ્થા સંભાળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *