KUTCH : કચ્છ પર 48 કલાક વરસાદ વાવાઝોડા નું સંકટ

KUTCH : બિપોરજોય’ વિકરાળ બનીને કચ્છ તરફ ધસમસી રહ્યાના અહેવાલે ખાસ્સો ઉચાટ જગાવ્યો છે. કુદરતી આફત હંમેશાં ડરામણી હોય છે. વાવાઝોડાંનું સંકટ મહામુસિબત એટલા માટે હોય છે કે, તેને નિવારી શકાતું નથી. સવાસો-દોઢસો કિલોમીટરના રાક્ષસી વેગથી તોફાન ત્રાટકે એ વિનાશક જ બને.

KUTCH: આપણા-તંત્રના હાથમાં એટલું હોય છે કે આગોતરી તૈયારી કરીને નુકસાન બને એટલું નિવારવું. આ લખાય છે ત્યારે ચક્રવાતની સૌરાષ્ટ્રમાં અસર શરૂ થઇ ચૂકી છે.

KUTCH: વેરાવળ, પોરબંદર, ગીર વિસ્તારમાં વેગીલો વરસાદ પડયો છે. કચ્છમાંય માહોલ પલટાયો છે. વાદળછાયાં વાતાવરણ વચ્ચે ઝડપી પવન આફતની એંધાણી આપી રહ્યા છે. આ સંજોગોમાં સરકારી તંત્ર બરોબરની ફરજ બજાવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીથી નજર માંડીને બેઠા છે. શાળાઓમાં રજા જાહેર થઇ છે. સમુદ્રકાંઠે તમામ ઔદ્યોગિક-પોર્ટ સંબંધિત ગતિવિધિ થંભાવી દેવામાં આવી છે. કંડલા, મુંદરા, માંડવી,જખૌ સહિત કચ્છનાં તમામ બંદરોએ 10 નંબરનાં ભયસૂચક સિગ્નલ લાગ્યાં છે. રેલ-હવાઇ સેવા સ્થગિત કરી દેવાઇ છે.

KUTCH : કચ્છને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એનો અર્થ એ થયો કે, અતિભારે વરસાદ જિલ્લામાં પડી શકે છે. રાજ્ય સરકારના સિનિયર મંત્રી કચ્છ પહોંચી આવ્યા છે. એનડીઆરએફની ટીમ પણ તૈનાત છે. કાંઠાળ વિસ્તારમાંથી લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર સહિતની કાર્યવાહી પર નજર રાખવામાં આવી રહી છે.

આગામી 48 કલાક કચ્છ માટે ભારે મહત્ત્વના છે. ઇશ્વરને પ્રાર્થના કરીએ કે શૂળીનું સંકટ સોયથી ટળી જાય, પરંતુ સાવધાનીમાં જરાય ચૂક ન થવી જોઇએ.

ચક્રવાત પૂર્વે અને પછીના સંજોગોમાં સરકારી તંત્રએ આપેલી તમામ સૂચનાઓનું ચુસ્તતાથી પાલન કરીએ એ જરૂરી છે. તંત્ર તેની ફરજ બજાવે છે, એ ત્યારે જ સાર્થક થશે જ્યારે નાગરિક ધર્મ પણ નિભાવવામાં આવે. મંગળવારની રાતની સ્થિતિએ બિપોરજોય કચ્છના સમુદ્રકાંઠાથી પોણા ચારસો કિલોમીટર જેટલું દૂર છે. આફતના ભણકારા વચ્ચે લોકોમાં ઉચાટ અને કાંઠાળ ક્ષેત્રોમાં સન્નાટો પ્રસર્યો છે. વાવાઝોડું, પૂર, અતિવૃષ્ટિ કે ધરતીકંપ જેવી પ્રાકૃતિક હોનારત રોકવી કાળા માથાંના માનવીના હાથની વાત નથી હોતી, પરંતુ એની સંભવિત અસર કેમ ઓછી થાય, જાન-માલનું નુકસાન કઈ રીતે નિવારી શકાય એની તકેદારી લઈને એ આફતને હળવી જરૂર બનાવી શકાય છે.

કચ્છ નજીકના ભૂતકાળમાં બે વખત વાવાઝોડાંનો વિનાશ ખમી ચૂક્યું છે. 1998માં કચ્છના ઈતિહાસમાં કદીએ ન સર્જાઈ હોય એવી કલ્પનાતીત દુર્ઘટનાએ કંડલા બંદર વિસ્તારમાં માનવ અને માલ-મિલકતની ભારે ખુવારી સર્જી હતી. લગભગ દોઢેક હજાર માનવીનો સોથ વાળી દીધો હતો અને માલ-મિલકતની નુકસાનીનો આંક અબજોમાં પહોંચ્યો હતો. એ વખતે તંત્ર અને પોર્ટ પ્રશાસન ઊંઘતું ઝડપાયું હતું.

તેની તુલનાએ આ વખતે પૂરી સાવધાની અને સજાગતા છે એ નોંધવું રહ્યું. એ દુર્ઘટનાના 11 મહિનામાં બીજું સમુદ્રી તોફાન ત્રાટક્યું હતું. ત્યારે સરકારની સજાગતાને લીધે 1999ના વાવાઝોડાંમાં કોઈ માનવજીવનની હાનિ નહોતી થઈ, પરંતુ અબડાસા, લખપત, નખત્રાણા તાલુકામાં 50 હજારથી વધુ ઘેટાં-બકરાં અને પાંચ હજારથી વધુ દૂધાળા ઢોર વાવાઝોડાંમાં ભરખાઈ ગયા હતા.

સમુદ્રના વિસ્તારમાં પાંચસોથી વધુ ઊંટનાય મૃત્યુ નીપજ્યાં હતાં. અબલત્ત, 20 વર્ષ પહેલાંની અને અત્યારની સ્થિતિમાં ફર્ક છે. ઉપગ્રહની મદદથી ચક્રવાતની આગાહી મહદઅંશે સચોટ થાય છે અને તેના સામનાની તૈયારી પણ કરી શકાય છે. 2014માં કચ્છ-સૌરાષ્ટ્ર પર નીલોફર' ચક્રવાતનો ખતરો મંડરાયો હતો. તંત્ર હાઇએલર્ટ પર રહ્યું. વાવાઝોડું ત્રાટકવાનું જ છે એમ માનીને સાવચેતીના ઉપાયો કરવામાં આવ્યા હતા અને સદ્નસીબેનીલોફર’ કચ્છને સ્પર્શ્યા વિના નીકળી જતાં જિલ્લાએ રાહતનો શ્વાસ લીધો હતો. આ વખતે પણ રાજ્યનું અને કચ્છનું તંત્ર સજાગ છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. આ સંજોગોમાં નાગરિકોની ફરજ છે કે, વહીવટી તંત્રએ જારી કરેલી સૂચનાનું પાલન કરીને પોતાની, આસપાસના લોકોની સલામતી સુનિશ્ચિત કરે. કચ્છ બબ્બે મહાબંદર ઉપરાંત મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો ધરાવે છે. એટલે વાવાઝોડું ત્રાટકે તો એ સંજોગોમાં ભારે મોટું નુકસાન થઇ શકે છે. એ સંભાવનાને ધ્યાનમાં રાખીને પૂરતી સજાગતા કેળવવી પડશે. અગાઉ કહ્યું તેમ બે દાયકા પૂર્વે ઉપરાઉપરી બે ચક્રવાતનો વિનાશક અનુભવ લઈ ચૂકેલા કચ્છને તેની તાકાત કે સંહારશક્તિ કેવી પ્રચંડ હોય છે એ યાદ અપાવવાની ભાગ્યે જ જરૂર પડે.

આગામી 48 કલાક કટોકટીના છે. હવામાન ખાતાના વર્તારા પ્રમાણે ‘બિપોરજોય’ પ્રચંડ વેગ સાથે આગળ વધી રહ્યું છે. અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. આ સંજોગોમાં આપણે સૌએ સાબદા અને સજાગ રહેવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *