પ્રિ-મોન્સુનનો પ્લાન: અમદાવાદીઓને ચાલુ વર્ષે ચકાચક રસ્તાની ભેટ મળશે

નાગરિકોને મોટરેબલ રોડ મળી રહે તે માટે અમે સતત જાગૃત હોઈ ચાલુ વર્ષે રૂ. 938 કરોડના ખર્ચે રોડને રી-સરફેસિંગ કરાશે. છેલ્લા નાણાકીય વર્ષમાં રૂ.350 કરોડથી વધુના ખર્ચે રોડને રી-સરફેસ કરાયા હતા.

અમદાવાદના શહેરીજનો માટે સારા રસ્તા ની સુવિધા પૂરી પાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ સતત કાર્યરત રહે છે. તેમાં પણ નવા મ્યુનિ. કમિશનર તરીકે જવાબદારી સંભાળવાની સાથે જ એમ. થેન્નારસન ખાસ કરીને રોડ રી-સરફેસિંગનાં કામોને વિશેષ મહત્ત્વ આપી રહ્યા છે. ભાજપના શાસકો પણ આ કામોને અગ્રતા આપી રહ્યા હોઈ વર્તમાન નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન રૂ.938 કરોડના ખર્ચે જંગી ખર્ચે 328 રોડને ચકાચક કરવાનું આયોજન ઘડી કઢાયું છે. ખાસ કરીને ચોમાસાના સમયગાળામાં ડામર અને પાણી વચ્ચે વેર હોઈ રસ્તા પર ખાડા પડતા હોય છે. ચોમાસામાં રસ્તા બિસમાર થવાથી સ્વાભાવિકપણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે, પરંતુ રોડના રિપેરિંગની કામગીરી જેવી કે માઇક્રો સરફેસિંગ, રી-સરફેસિંગ વગેરે માટે વરસાદ થંભી જાય તેની રાહ જોવી પડે છે. એટલે કે નવરાત્રીના ઉત્સવની ઉજવણી પતી ગયા બાદ શહેરમાં રોડ રી-સરફેસિંગનાં કામોનો ધમધમાટ શરૂ થાય છે. તંત્ર દિવાળીના સપરમા તહેવારોમાં લોકોને ખાડામુક્ત રોડ મળે તે દિશામાં શક્ય તેટલા પ્રયત્નો કરે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગોતરા આયોજન
રોડ રી-
સરફેસિંગનાં કામો પાછળ દર વર્ષે મ્યુનિસિપલ તિજોરીમાંથી આશરે 350 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. આ કામો અગત્યનાં હોઈ તેને દર વર્ષની ૧૫મી જૂન પહેલાં શક્ય તેટલા વધારે પૂર્ણ કરવાની કવાયત તંત્ર દ્વારા હાથ ધરાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન કુલ રૂ.937.95 કરોડના ખર્ચે કુલ 328 રોડને રી-સરફેસિંગ કરવાની કામગીરી નક્કી કરી છે. તંત્રના આયોજનને તપાસતાં જોધપુર, વેજલપુર, સરખેજ અને મક્તમપુરા વોર્ડનો સમાવેશ ધરાવતા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રૂ.478.17 કરોડના ખર્ચે કુલ 41 રોડને નવા રંગરૂપ અપાશે. ત્યાર બાદ રોડ પ્રોજેક્ટના રૂ.205.83 કરોડના ખર્ચે કુલ 33 રોડને તૈયાર કરાશે. ઝોનવાઇઝ રોડનાં કામ પાછળ ખર્ચાનારી રકમને જોતાં પૂર્વ ઝોનમાં રૂ.76.10 કરોડ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રૂ.53.58 કરોડ, પશ્ચિમ ઝોનમાં રૂ. 46.87 કરોડ, ઉત્તર ઝોનમાં રૂ.36.14 કરોડ, દક્ષિણ ઝોનમાં રૂ.29.68 કરોડ અને મધ્ય ઝોનમાં સૌથી ઓછા રૂ. 11.58 કરોડના ખર્ચે રોડનું રી-સરફેસિંગ કરાશે.

દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 68 રોડ બનશે
હવે રોડની સંખ્યા બાબતે તંત્રના આયોજનની વિગત તપાસતાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 68 રોડ, પૂર્વ ઝોનમાં 48, પશ્ચિમ ઝોનમાં 46, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 41-41, ઉત્તર ઝોનમાં 29, રોડ પ્રોજેક્ટના 33 અને મધ્ય ઝોનમાં સૌથી ઓછા 22 રોડનું આયોજન નક્કી કરાયું છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ ચાલુ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન શહેરના કુલ 204.69 કિલોમીટર લંબાઈના રોડને રી-સરફેસ કરશે, જેમાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 31.855 કિ.મી. રોડ, રોડ પ્રોજેક્ટના 40.377 કિ.મી., પશ્ચિમ ઝોનના 26.755 કિ.મી., ઉત્તર-પશ્ચિમ ઝોનના 25.358 કિ.મી., પૂર્વ ઝોનના 25.270 કિ.મી., ઉત્તર ઝોનના 22.530 કિ.મી. અને મધ્ય ઝોનના સૌથી ઓછા 8.390 કિ.મી. લંબાઈના રોડને તંત્ર દ્વારા રી-સરફેસ કરવામાં આવશે.

નાગરિકોને સારા રોડની ભેટ
તા. 1 એપ્રિલથી 10 એપ્રિલ – 2023 સુધીનો રોડ રી-સરફેસિંગનો તંત્રનો સત્તાવાર રિપોર્ટ દર્શાવે છે કે શહેરના રોડને સારી ગુણવત્તાવાળા બનાવવા માટે વર્ષના પ્રારંભથી જ ઈજનેર વિભાગે કવાયત આદરી છે, જેના કારણે રૂ. 47.93 કરોડના ખર્ચે 12 રોડની કામગીરી પૂર્ણ કરાઈ છે.જે હેઠળ દક્ષિણ-પશ્ચિમ ઝોનના છ, પશ્ચિમ ઝોનના ત્રણ, રોડ પ્રોજેક્ટના બે અને ઉત્તર-પશ્ચિમ ઝોનના એક મળીને કુલ 7.940 કિ.મી. લંબાઈના રસ્તા ચકાચક થઈ ગયા છે.
જ્યારે શહેરના 82 રોડની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે, જેની પાછળ મ્યુનિ. તિજોરીમાંથી રૂ.351.69 કરોડ ખર્ચાશે. આ કામગીરી બાદ શહેરના 73.264 કિ.મી. લંબાઈના રોડ સારા બની જશે. આમ મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસનની ચીવટના પગલે અત્યારથી તંત્ર નાગરિકોને સારા રોડની ભેટ આપવા જઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા આગામી તા. 31 મે સુધીમાં શહેરના 127 બાકી રોડને રિ-સરફેસ કરવાની તાકીદ કરાતા તંત્ર હરકતમાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *