તાવ આવે કે હાથ-પગ-માથાંનો દુ:ખાવો થાય તો તરત જ હાથવગા ઈલાજરૂપે પેરાસિટામોલ ખાઈ લેતા લોકોને ચેતવા જેવા સમાચાર મળી રહ્યા છે. વાત જાણે એમ છે કે, પેરાસિટામોલ સહિત 53 દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે.
દેશની સૌથી મોટી દવા નિયામક સંસ્થા `કેન્દ્રીય દવા ગુણવત્તા નિયમન સંસ્થા’ તરફથી આવી દવાઓની યાદી જારી કરાઈ છે, જેમાં કેલ્શિયમ, વિટામીન, ડાયાબિટીસ, બ્લડપ્રેશરની સાથોસાથ કેટલીક એન્ટિબાયોટિક દવાઓ પણ સામેલ છે.
નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી એલર્ટ એટલે કે, `આદર્શ ગુણવત્તાવાળી નથી’ તેવી દવાઓની યાદીમાં વિટામીન-સી અને ડી-3ની શેલકાલ, બી-કોમ્પ્લેક્સ, ગેસ, એસીડીટીની પૈન-ડી, ડાયાબિટીસની દવા ગ્લિમેપ્રાઈડ તેમજ બ્લડપ્રેશરની ખૂબ ઉપયોગમાં લેવાતી ટેલ્મી શાર્ટન પણ સામેલ છે. પ્રતિબંધિત કરાયેલી દવાઓની યાદીમાં પીડાનાશક ડાયક્લોફેનેક, શ્વાસની બીમારીની એંબ્રોક્સોલ, એન્ટિફંગલ ફ્લુકાનાઝોલ જેવી દવાઓને પણ સામેલ કરાઈ છે. દવા નિયામક સંસ્થાએ પહેલી યાદીમાં 48 પ્રખ્યાત દવાઓ તેમજ બીજી યાદીમાં વધુ પાંચ દવાઓનાં નામ સામેલ કર્યા છે. માનસિક તાણ જેવી તકલીફો માટે અપાતી ક્લોમાજેપામ તેમજ પેટનાં સંક્રમણ જેવી બીમારીઓ માટે ઉપયોગમાં લેવાતી પ્રખ્યાત મેટ્રાનીડાઝોલ દવા પણ ગુણવત્તાનાં પરીક્ષણમાં નિષ્ફળ નીવડી હોવાનું સંસ્થાનો અહેવાલ નોંધે છે.તેવી મીડિયા માધ્યમ થી માહિતી પ્રાપ્ત થયેલ છે. અત્યાર સુધી તબીબો તરફથી ખૂબ જ લખી અપાતી અને વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી આવી મહત્ત્વપૂર્ણ લેખાતી દવાઓની ગુણવત્તા સામે પ્રશ્નાર્થે સામાન્ય માણસમાં આરોગ્ય અંગે ભારે ચિંતા વધારી નાખી છે.
હેટેરોડ્રગ્સ, હિન્દુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડ, અલકેમ લેબોરેટરીઝ, મેગ લાફસાયંસીઝ, પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર, કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિ. જેવી કંપનીઓ આ દવાઓ બનાવી રહી છે. આ ફાર્મા કંપનીઓ તરફથી ગુણવત્તા પરીક્ષણમાં દવાઓ નિષ્ફળ જવા સંદર્ભે અપાયેલી પ્રતિક્રિયાઓ પરથી એવું સમજાઈ રહ્યું છે કે, કંપનીઓ જવાબદારી લેવાથી બચી રહી છે.