કચ્છ કિસાન સંઘનો જનજાગૃતિ રથ કચ્છના 600 ગામોમાં ફરીને ખેડૂતોના અધિકાર માટે મૂંઝવતા પ્રશ્નોનો વાચા આપશે

કચ્છ કિસાન સંઘનો જનજાગૃતિ રથ કચ્છના 600 ગામોમાં ફરીને ખેડૂતોના અધિકાર માટે મૂંઝવતા પ્રશ્નોનો વાચા આપશે.

જનજાગૃતિ રથ-1
જનજાગૃતિ રથ

જનજાગૃતિ રથ : કચ્છ કિસાન સંઘ પ્રેરિત કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન રથ આજે ભુજના રુદ્રાણી જાગીર ખાતે આવી પહોંચ્યો છે. આ રથ ભુજ તાલુકાના 250 ગામોનો પ્રવાસ કરશે અને ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અંગે ખેડૂત પરિવારોને સજાગ કરશે.

કચ્છ જિલ્લામાં ખેડૂતો દ્વારા આ અભિયાન અંતર્ગત સરકાર સમક્ષ વિવિધ મહત્વની માંગણીઓ ઉઠાવવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વિવિધ કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનમાં વીજ ટાવર લાઈનોના બાંધકામ માટે પોલીસ દબાણથી કામ થાય છે અને તેમને યોગ્ય વળતર આપવામાં આવતું નથી.

જનજાગૃતિ રથ : ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં નર્મદા કેનાલોના કામ ઝડપથી પૂર્ણ કરાવવા, સ્કાય યોજના નિષ્ફળ જાહેર કરી ખેડૂતોને નુકસાનની ભરપાઈ આપવી, ભારે વરસાદથી થયેલ પાકનાશ માટે સહાય ચૂકવવી, રવિ પાક માટે ખાતરનો પૂરવઠો સુનિશ્ચિત કરવો અને ટેકાના ભાવે પાક ખરીદી શરૂ કરવી વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, પડતર જમીનો ખેડૂતોના નામે કરવી, વાંઢીયા સબ બ્રાંચ કેનાલના બાકી કામો પૂર્ણ કરવા, પાક ધિરાણ યોજના અમલમાં લાવવી અને પોલીસ દ્વારા કંપનીઓના દુરુપયોગ પર રોક લગાવવાની માંગણી પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

જનજાગૃતિ રથ : ખેડૂતોનો ઉલ્લેખ છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ ન્યાયપૂર્ણ વળતર અને પોતાના હક્કની માંગણી કરી રહ્યા છે. કચ્છ કિસાન સંઘના પ્રમુખ શિવજી અહિરે જણાવ્યું કે ખેડૂતોને પજવતા 9 મુદ્દા સાથે કિસાન અધિકાર જનજાગૃતિ રથ જિલ્લાના 600 ગામોમાં ફરશે. ભચાઉના જંગી ગામથી ગત 16 તારીખથી શરૂ થયેલું આ અભિયાન અત્યાર સુધીમાં 250 ગામોમાં ફરી ચૂક્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ખાસ કરીને અદાણી સહિતની કંપનીઓ ખેડૂતોને હેરાન કરી રહી છે અને પોલીસ બળનો ગેરઉપયોગ કરવામાં આવે છે. જો ખેડૂતોની બહેન-દીકરીઓ વિરોધ કરે તો તેમને પોતાના ખેતરમાંથી ઢસડીને દૂર કરવામાં આવે છે, જે સરકારની તાનાશાહી છે. જો આ સ્થિતિ કાયમ રહી તો આગામી સમયમાં કચ્છના સવા લાખ કિસાનો ભુજમાં કલેકટર કચેરી સામે ધરણા પર ઉતરશે. ત્યારબાદ પણ કોઈ માંગ સ્વીકારવામાં નહીં આવે તો જે કિસાનો સરકારનો સહારો બન્યા હતા તે જ વિરોધી બનશે.

જનજાગૃતિ રથ : કચ્છ કિસાન સંઘના જિલ્લા મંત્રી વાલજીભાઈ પટેલે કહ્યું કે, રાજ્યના 12 કિસાન પરિવારના લોકો માટે આ લડત છે. કચ્છના અઢી લાખ ખેડૂતોને ન્યાય મળે તે માટેનો જનજાગૃતિ અધિકાર રથ સમગ્ર કચ્છમાં ફરશે અને પોતાની નવ મુદ્દાની માંગને પ્રબળ કરશે. જો રાજ્યની ભાજપ સરકાર ઘટતું નહીં કરે તો આગામી ચૂંટણીમાં તેને મોટી ખોટ પડવાની છે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *