મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. આ ભારે વરસાદના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈમાં મુશળધાર વરસાદને કારણે ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં ફરી એકવાર ચોમાસાએ ઝટકો આપ્યો છે. પુણે અને મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદને કારણે અનેક શહેરોમાં પાણી ભરાઈ ગયા છે. પુણેમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી જામવા લાગ્યું છે. આ વરસાદના કારણે મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીથી મુંબઈ આવતી બે ફ્લાઈટને હૈદરાબાદ ડાયવર્ટ કરવામાં આવી છે. લોકલ ટ્રેનોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. હાલમાં IMD એ આગામી બે દિવસ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ અને તેના પડોશી જિલ્લાઓ માટે અતિ ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. બપોરથી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ખરાબ હવામાનને કારણે બે ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી અને સાત ફ્લાઈટને મુંબઈ એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી હતી. શહેરમાં ભારે વરસાદ હોવા છતાં પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગરીય નેટવર્ક પર લોકલ ટ્રેનો સામાન્ય રીતે ચાલી રહી છે.
તાજેતરની ચેતવણીમાં IMDએ જણાવ્યું હતું કે મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ વીજળી અને તેજ પવન સાથે અતિ ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે પાલઘર અને સિંધુદુર્ગના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે એક ‘ઓરેન્જ એલર્ટ’ જારી કર્યું છે, જેમાં વિવિધ સ્થળોએ ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.