11 વર્ષ બાદ રાજ્યમાં નવી જંત્રી અમલમાં આવશે
રાજ્ય સરકાર દ્વાર જંત્રી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઇને મહેસૂલ વિભાગ દ્વારા સ્ટોક હોલ્ડર્સ સાથે બેઠક કરી તેમના સૂચનો મેળવવા તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. 11 વર્ષ બાદ રાજ્યમાં નવી જંત્રી અમલમાં આવશે. સોમવારથી રાજ્યમાં નવી જંત્રીનો દર અમલ થશે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં જંત્રીનો દર બમણો કરાયો છે. સમગ્ર રાજ્યમાં સોમવારથી આ દર અમલમાં મુકાશે. જોકે, એક તરફ નવી જંત્રી અમલમાં આવશે. તો બીજી તરફ રાજ્યમાં સર્વેની કામગીરી પણ ચાલુ રહેશે. સર્વે પૂર્ણ થયા બાદ નવી જંત્રી અમલમાં આવશે. ત્યારે 11 વર્ષ બાદ રાજ્યમાં જંત્રીના નવા દર નક્કી કરાયા છે.
સરકાર દ્વારા નવી જંત્રીનો અમલ કરતાં પહેલા તેના દર સુધારવા માટે સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્સ દ્વારા કવાયત શરૂ કરાઇ હતી. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરોને જિલ્લાના સ્ટોક હોલ્ડર્સ અને અધિકારીઓ સાથે મિટિંગ યોજીને તેમના સૂચનો અને રજૂઆત મેળવવા જણાવાયું હતું. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કલેક્ટરના અભિપ્રાય સાથે તેને વિભાગમાં મોકલી આપવા માટે પણ સૂચના અપાઈ હતી. જે બાદમાં સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર વિવિધ વિસ્તારમાં હાલ જમીનના ભાવ શું ચાલી રહ્યા છે તે નક્કી કરશે.
2011માં જંત્રીના દર અમલમાં આવ્યા હતા
મહેસૂલ વિભાગ દ્વારા માર્ચ-2011માં જંત્રીના સુધારેલા દર અમલમાં મૂકવામાં આવ્યા હતા. તે ભાવ ખૂબ ઊંચા હોવાથી વિરોધ થતાં અને સરકારમાં રજૂઆત કરતાં તેને ધ્યાને લઈ 2011ના એપ્રિલ માસમાં સુધારેલા ભાવ સાથેની જંત્રી અમલમાં મૂકવામાં આવી હતી. જે હાલ અમલમાં છે. 2019ના ઠરાવથી નિયત સમય મુજબ જાન્યુઆરી-2023માં જ જંત્રી સર્વેની કામગીરી શરૂ કરવા સરકારે નિર્ણય લીધો છે.
દર વધતા બિલ્ડરોને અસર
કોરોના બાદ રીયલ એસ્ટેટ માર્કેટ માંડ માંડ ઉભું થઈ રહ્યું છે. જંત્રીના દર વધતા લોકો માટે ઘરનું ઘર ખરીદવું મુશ્કેલ બની જશે કેમ કે સ્ટેમ્પ ડ્યુટી સાથે દસ્તાવેજ ખર્ચ ડબલ થઈ શકે છે. હાલ કોટ વિસ્તારમાં જ્યાં 2000 સ્ક્વેર ફૂટના ફ્લેટનો દસ્તાવેજ ખર્ચ 3 લાખ રૂપિયા થાય છે. ત્યાં પોશ વિસ્તારમાં આ જ સાઈઝના ફ્લેટનો દસ્તાવેજ ખર્ચ સવા લાખ થાય છે. હવે જો કોટ વિસ્તારમાં દર વધે તો લોકોનો મરો જ થશે.
વાઈટ બ્લેકનો ખેલ પણ સમજો
સી.એ. પ્રદીપ સિંઘ કહે છે કે જંત્રી દર વધારવાનો ફાયદો એવો છે કે લોકોની મિલકતની વેલ્યુ વધશે અને જે લોન લેવા ઈચ્છુક છે તેમને ચોક્કસ ફાયદો થશે. બીજી તરફ આઇટીના સૂત્રો કહે છે કે અગાઉના દરોડાઓમાં માર્કેટમાં વ્હાઈટ એન્ડ બ્લેકનો રેશિયો વધુ જોવા મળ્યો છે. જંત્રીના વધારાથી તેમાં ચોક્કસ ઘટાડો થશે. લોકો જંત્રીના આધારે જે મિલકતની વેલ્યુ થાય છે એટલી રકમ ચેક દ્વારા આપતા હોય છે અને બાકીની રકમ રોકડમાં બિલ્ડરોને ચૂકવવામાં આવે છે. જમીનની બાબતે પણ આ જ રીતે વ્યવહાર થાય છે. આથી હાલ પોશ વિસ્તારમાં જે લોકો ઘર ખરીદે છે તેમને રોકડ વધુ એકત્રિત કરવાની રહે છે.