આણંદની જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં 6 પેપર ફૂટતા વાલીઓનો હોબાળો

આણંદની મોગરી જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં બુધવારના રોજ ધો.8નું પેપર લીક થવા બાબતે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ પેપર લીક કરવા પાછળ નડિયાદની શાળાના પ્રિન્સીપાલ જવાબદાર હોવાનો ખુલ્લો આક્ષેપ વાલીઓએ કર્યો છે. પ્રિન્સીપાલે પોતાની ભત્રીજીને મોકલેલા પેપર વાયરલ થયા હોવાના મુદ્દે ભારે રોષ જન્મ્યો હતો. જોકે, શાળા સંચાલકોએ ફરીથી પરીક્ષા લેવાની વાત કરતાં વાતાવરણ વધુ તંગ બન્યું હતું.

આણંદ શહેરમાં આવેલી મોગરી જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષાના પેપર પહેલા દિવસથી જ નિશ્ચિત બાળકોને મળી જતાં હોવાનો વિદ્યાર્થીઓએ વાલીઓની ફરિયાદ કરી હતી. આથી, વાલીઓએ શાળા સંચાલકોનું ધ્યાન દોર્યું હતું. જોકે, તેઓએ આ મામલાને ગંભીરતાથી લીધી નહતી. આખરે વાલીઓની ધીરજ ખુટી ગઈ હતી અને શાળાએ પહોંચી હોબાળો મચાવ્યો હતો. જોકે, અચાનક વાલીઓના હોબાળાથી શાળા સંચાલકો પણ બચાવની ભૂમિકામાં આવી ગયાં હતાં.

નડિયાદની શાળાના પ્રિન્સિપાલે પેપલ લીક કર્યા હોવાનો આક્ષેપ

આ અંગે વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, નડિયાદની શાળાના પ્રિન્સીપાલે પોતાની ભત્રીજીને પરીક્ષાના પેપરની કોપી મોકલી આપતા હતા. આ ભત્રીજીએ પોતાના પુરતી સીમીત રાખવાની જગ્યાએ તે તેના મિત્રોમાં વાયરલ કર્યાં હતાં. આમ, છ દિવસ જુદા જુદા વિષયના પેપર વિદ્યાર્થીના મોબાઇલ પર પરીક્ષા પહેલા જ ફરતા થઇ ગયાં હતાં. આથી, જવાબદારો સામે કડક પગલાં ભરવા માગણી કરી હતી.

વ્યવસ્થાપક ઉર્જાબહેન પટેલે જણાવ્યું હતું કે, ખેદ સાથે જણાવવાનું છે કે, ધો.8ના પેપર લીક થયા છે. સો ટકા વિદ્યાર્થીઓના હિતમાં હોય તેવો નિર્ણય વાલીઓ અને વ્યવસ્થાપક, મેનેજમેન્ટ, આચાર્ય સાથે મળીને લેશે. વ્યવસ્થાપક ધનંજય પટેલે જણાવ્યું હતું કે, પેપર ફુટ્યાની વાત અમને જાણવા મળી છે, આથી, બાકી રહેલા પેપર બદલી લેવામાં આવ્યાં છે. જેની પરીક્ષા લેવામાં આવી છે. તેના વિકલ્પો અંગે વિચારણા કરવામાં આવી છે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના હિતમાં પગલાં લેવામાં આવશે. હાલમાં છ પેપર ફુટ્યા હોવાની માહિતી મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *