
અમદાવાદ:
19મી માર્ચથી 27 માર્ચ દરમિયાન ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષા યોજાઈ રહી છે. ત્યારે કોરોના વાયરસના વધી રહેલા કેસો વચ્ચે જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. એ મુજબ, કોરોનાના કારણે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓની પરીક્ષા શાળા દ્વારા નવા પ્રશ્નપત્રો કાઢીને ફરીથી લેવામાં આવશે. અને જો કોઈ શાળા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હોય તો એ કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત થયા બાદ પરીક્ષાનું આયોજન કરી શકે છે.
કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થી પછીથી પરીક્ષા આપી શકશે
શુક્રવારે 19 માર્ચથી 27 માર્ચ સુધી લેવાનારી પરીક્ષામાં આંતરિક મૂલ્યાંકન અને વર્ગ બઢતીમાં ગણતરી માટે લેવાઈ રહી છે. આ પરીક્ષા આપવી બાળકોના શૈક્ષણિક હિતમાં છે, પરંતુ કોરોનાને કારણે કોઈ બાળકને અન્યાય ન થાય એ માટે કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં પરીક્ષા ફરીથી યોજવાની જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન. રાજગોર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે.
ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નપત્રોના 80 માર્ક્સ રહેશે, જ્યારે પ્રથમ પરીક્ષામાં 50 માર્ક્સ રહેશે તેમજ આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે. કોરોનાને કારણે ઓફલાઇન શિક્ષણ બંધ હતું. હવે તબક્કાવાર શૈક્ષણિક કાર્ય ચાલુ થઈ રહ્યું છે, ત્યારે થોડા દિવસ પહેલાં રાજ્યના શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ પરીક્ષાનું પણ પ્લાનિંગ જાહેર કરી દીધું હતું, જેમાં ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે અને વાર્ષિક પરીક્ષા 7 જૂનથી 15મી જૂન વચ્ચે યોજાશે.