RAJKOT NEWS : રાજકોટમાં ન્યાયપાલિકાની ગરિમા પર તમાચો, ચાલુ હિયરિંગે ડીજીપી અને બચાવ પક્ષના વકીલ વચ્ચે સામસામી લાફાવાળી

RAJKOT NEWS : રાજકોટ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત ન્યાયપાલિકાની ગરિમા પર તમાચો પડ્યો હોય તેવી ઘટના નોંધાઇ છે. જેમાં રાજકોટની સેશન્સ કોર્ટમાં સોમવારે ચાલુ હિયરિંગે ડીજીપી અને બચાવ પક્ષના વકીલ વચ્ચે સામસામી લાફાવાળી થતાં એડિશનલ સેશન્સ જજ પણ સ્તબ્ધ બની ગયા હતા અને આ શું કરી રહ્યા છો તેવો વેધક સવાલ ઉઠાવ્યો હતો. ડીજીપી અને બચાવ પક્ષના વકીલે સેશન્સ જજને એકબીજા વિરુદ્ધ લેખિતમાં અરજી આપી છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટની સેશન્સ કોર્ટમાં એડિશનલ સેશન્સ એ.કે.શાહની કોર્ટમાં એક મહિલાના મર્ડર કેસનું હિયરિંગ ચાલી રહ્યું હતું અને તેમાં ડોક્ટરની જુબાની ચાલી રહી હતી ત્યારે જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા અને બચાવ પક્ષના વકીલ કમલેશ મહેતા વચ્ચે જોરદાર દલીલો થતાં અને બાદમાં હાથાપાઇ શરૂ થતાં સેશન્સ જજ સહિતનો અદાલતનો તમામ સ્ટાફ ચોંકી ઉઠયો હતો અને બન્ને વકીલ વચ્ચે ફડાકાવાળી થતાં અને મારામારી થતા અન્ય વકીલોએ વચ્ચે પડીને તેમને છોડાવ્યા હતા.

RAJKOT NEWS : આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને કામચલાઉ ઘોરણે હિયરિંગ અટકાવી દીધા બાદ તબીબની જુબાની લઇ અદાલતે સાક્ષીઓને તપાસવા માટે નવી તારીખ આપી દીધી હતી. બન્ને વકીલે એકબીજા વિરુદ્ધ સેશન્સ જજને લેખિતમાં ફરિયાદ આપી છે ત્યારે ન્યાયતંત્રની ગરિમાને લાંછન લગાવતી આ ઘટનાના વકીલ આલમમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
રાજકોટ જિલ્લાના ઇતિહાસમાં ચાલુ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલ વચ્ચે મારામારીની આ પ્રથમ ઘટના બની છે. આ માથાકૂટ મુદ્દે એડવોકેટ કમલેશ મહેતાને પુછતા તેઓએ પછી વાત કરું છું તેમ જણાવ્યું હતું.
મર્ડર કેસમાં ડોક્ટરને તપાસવાની કામગીરી ચાલી રહી હતી અને તબીબની જુબાની લેવાતી હતી ત્યારે બચાવ પક્ષના વકીલ કમલેશ મહેતા આરોપીને ફાયદો થાય તે રીતે તબીબ જે જવાબ આપતા હતા તેના બદલે ખોટા જવાબ આપતા હતા.
આથી સાચી જુબાની લખાવાય તે માટે હું સેશન્સ જજને વકીલોની બેન્ચ પર બેસીને પુરસીસ લખીને આપવા તૈયારી કરતો હતો અને મારી અરજી અડધી જ લખાઇ હતી ત્યારે એડવોકેટ કમલેશ મહેતા મારી પર તૂટી પડ્યા હતા અને મારા માથામાં ધુંબા માર્યા હતા અને મને ફડાકા માર્યા હતા.