21મી સદીમાં ભારતની ઓળખ બનશે પ્લાન્ડ શહેરો, ઝડપથી થઈ રહ્યું છે શહેરીકરણ: વડાપ્રધાન મોદી 

‘શહેરી આયોજન, વિકાસ અને સ્વચ્છતા’ વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારમાં પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે નવા શહેરો વિકસિત થઈ રહ્યા છે, જે એકવીસમી સદીમાં ભારતની નવી ઓળખ બનાવશે. ભારતમાં ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે ત્યારે, ભવિષ્ય લક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું અનિવાર્ય છે.

વડાપ્રધાને કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આઝાદી પછી આપણા દેશમાં માત્ર થોડા જ આયોજનબદ્ધ શહેરો બન્યા. આઝાદીના 75 વર્ષમાં દેશમાં 75 નવા અને મોટા આયોજનબદ્ધ શહેરો બન્યા હોત તો આજે ભારતની તસ્વીર જુદી જ હોત. તેમણે કહ્યું કે, અમૃત કાળમાં શહેરી આયોજન જ આપણા શહેરોનું ભવિષ્ય નક્કી કરશે અને ભારતના પ્લાન્ડ શહેરો ભારતનું ભાવિ નક્કી કરશે. 

તેમણે વધુમાં કહ્યું કે, અમારી સરકારે તેના દરેક બજેટમાં શહેરી વિકાસ પર ઘણું ધ્યાન આપ્યું છે. વર્તમાન બજેટમાં આ માટે નોંધપાત્ર ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે અને મને ખાતરી છે કે આ મહત્ત્વપૂર્ણ યોજના દેશમાં સુઆયોજિત શહેરી ક્ષેત્રની શરૂઆત કરશે.

તેમણે કહ્યું કે, શહેરી વિકાસમાં શહેરી આયોજન અને શહેરી શાસન બંને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સંબંધિત પ્રક્રિયાઓનો બિનકાર્યક્ષમ અમલીકરણ દેશના વિકાસના માર્ગમાં મુખ્ય અવરોધ તરીકે આવે છે. ખાસ કરીને શહેરી વિસ્તારોના વિકાસને સુનિશ્ચિત કરતી વખતે આ વિસ્તારમાં રહેતા લોકોના વિકાસની ખાતરી કરવાની પણ જરૂર છે.

મોદીએ કહ્યું કે, આજે ભારત ચક્રીય અર્થવ્યવસ્થાને શહેરી વિકાસનો મુખ્ય આધાર બનાવી રહ્યું છે. આપણા દેશમાં દરરોજ હજારો ટન મ્યુનિસિપલ કચરો ઉત્પન્ન થાય છે. 2014માં દેશમાં માત્ર 14-15 ટકા કચરો પ્રોસેસ થતો હતો, આજે 75 ટકા કચરો પ્રોસેસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, જો આવું પહેલા થયું હોત તો આપણા શહેરોના કિનારાઓ કચરાના પહાડોથી ભરાયેલા ન હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *