POLICEMAN DIES IN ACCIDENT : પોલીસકર્મી પિતાએ કોન્સ્ટેબલ મૃતક દીકરા સંજયની નનામીને કાંધ આપવી પડી

POLICEMAN DIES IN ACCIDENT : 31 મે 2025ની રાત્રે રાણીપ બકરામંડી પાસે નશામાં ધૂત એક પોલીસ કોન્સ્ટેબલે વેગેન-આર કારથી અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક મહિલા સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઇજાગ્રસ્તોમાં એક પોલીસકર્મી સંજય અંસારી પણ હતા. જેમનું 6 જૂનના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આરોપી પોલીસ કોન્સ્ટેબલ જે મધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો ત્યાં જ મૃતક સંજય અંસારીના પિતા વસંતભાઈ અંસારી ફરજ બજાવે છે.
અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક નાનકડા એપાર્ટમેન્ટમાં મૃતક સંજયભાઈ અંસારી તેમના પરિવાર સાથે રહેતા હતા. એમને ક્યારેય પણ ખબર ન હતી કે તેમની સાથે જે ઘટના બનશે તે તેમના આખા પરિવારને હચમચાવી નાખશે. સંજયભાઈનું મોત થતાં પિતા પર મોટી આફત આવી પડી છે. વસંતભાઈ આ મહિનાના અંતમાં નિવૃત્ત થવાના છે, ત્યારે તેમને એવી આશા હતી કે તેમની નિવૃત્તિ સમયે તેમનો દીકરો સંજય હાજર હશે.

POLICEMAN DIES IN ACCIDENT : નિવૃત્તિ બાદ તેઓ જવાબદારીમાંથી મુક્ત થશે અને તેમનો દીકરો તેમનો સહારો બનશે, પરંતુ કુદરતનું કરવું કંઈક અલગ જ હતું અને થયું પણ કંઈક એવું. ઘડપણમાં પિતાનો સહારો બનનાર દીકરાના મૃતદેહને પિતાએ જ કાંધ આપવી પડી અને સ્મશાન સુધી લઈ જવો પડ્યો.
સંજયભાઈને જાણનારા લોકો કહે છે કે, તે ખૂબ જ પ્રેમાળ સ્વભાવનો વ્યક્તિ હતો. હંમેશા દરેક સાથે હળીમળી જતો હતો. તે કોઈપણ કામમાં તરત જ હા પાડતો હતો. તેના કામને લઈને સિનિયર અધિકારી પણ ખૂબ જ ખુશ હતા. કેટલાક અધિકારી તો તેમના માનીતા કહેવામાં આવે છે. પરંતુ હાલ સંજય દુનિયામાં નથી તેની સારવાર માટે પોલીસ અને તેમના પરિચિતોએ રૂપિયા ભેગા કર્યા, પરંતુ હવે સંજય આ દુનિયામાં નથી અને તેના પિતા હવે તેના પરિવારનો આધાર બનવા મજબૂર બન્યા છે.
POLICEMAN DIES IN ACCIDENT : રાણીપ બકરામંડીમાં 31 મેના મોડી રાતે પૂરઝડપે વેગન-આર કાર લઈને આવી રહેલા પોલીસ કોન્સ્ટેબલે બે ટુ-વ્હીલર અને એક લારીને ઉડાવ્યા હતા સાથે રોડ ઉભેલી એક મહિલાને પણ અડફેટે લીધી હતી. જેમાં કુલ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વેગન-આરના ચાલકે વાહનોને અડફેટે લીધા બાદ કાર દીવાલમાં ઘૂસાડી દીધી હતી. નંબર પ્લેટ વગરની ગાડીથી નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાથી કોન્સ્ટેબલ યુવરાજસિંહને સ્થાનિક લોકોએ નીચે ઉતારી મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે યુવરાજસિંહ પોતે પોલીસકર્મી હોવાથી લોકોને જોઈ લઈશ તેવી ધમકી આપતો હતો.
POLICEMAN DIES IN ACCIDENT : બાદમાં પીસીઆર વાનમાં તેને રાણીપ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. ત્યાં પીએસઓ સહિત ચાર પોલીસકર્મીઓ સામે સારવારનું બહાનું કાઢીને તે ભાગી ગયો હતો. આ અંગે પણ ઝોન-2 ડીસીપીએ એલ ડિવિઝન એસીપીને પોલીસકર્મીઓ અંગે તપાસ સોંપી હતી. જ્યારે રાણીપ પોલીસે તેને સુરેન્દ્રનગરથી ઝડપી પાડ્યો હતો. જે બાદ આરોપીને એલ ડિવિઝન ટ્રાફિક પોલીસને સોંપવામાં આવ્યો હતો.
POLICEMAN DIES IN ACCIDENT : રાણીપમાં રહેતા 60 વર્ષીય કાનજીભાઇ પરમાર નિવૃત જીવન ગુજારે છે. ગત 31 મેએ રાત્રિના સમયે કાનજીભાઇ બાઇક લઇને જગતપુરથી ઘરે જતા હતા. ત્યારે રાણીપ બકરામંડી પાસે પહોંચ્યા તે સમયે કારચાલકે પૂરઝડપે આવીને એક્ટિવાચાલક 37 વર્ષીય સંજયભાઇ અંસારીને અડફેટે લીધો હતો. ત્યારબાદ રોડ પર પડેલી લારીને ટક્કર મારી હતી. ત્યારબાદ કાનજીભાઇના બાઇકને ટક્કર મારી હતી. રોડ પર ઉભેલા 50 વર્ષીય મુમતાઝબેન શેખને પણ અડફેટે લીધા હતા. આ ઘટનામાં કાનજીભાઇ અને સંજયભાઇને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સંજયભાઇનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.