NEWS: લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર શરૂ થયો છે. ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ રાજ્યસભાના સાંસદે રાજીનામું આપી પોતાનાં કાર્યકરો સાથે ભાજપમાં જોડાતા ફરી એક વખત ડેમેજ કંટ્રોલ કરવામાં ગુજરાત કોંગ્રેસનું મોવડી મંડળ નિષ્ફળ નિવડ્યું હતું.
NEWS: કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓનાં રાજીનામાં પડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષનાં કદાવર નેતા નારણ રાઠવાએ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા કોંગ્રેસ પક્ષમાં ફરી એક વખત સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. નારણ રાઠવાના પુત્રએ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું મોકલી આપ્યું હતું. રાજીનામાં બાબતે કારણ આપતા જણાવ્યું હતું કે, પક્ષમાં રજૂઆતો માટે કોઈ સાંભળતું ન હોવાનું કારણ આપ્યું હતું. તો વડોદરા જીલ્લા કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ અભિષેક ઉપાધ્યાયે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, પક્ષમાં અવગણના થતી હોવાનું કારણ આપી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતુ.
NEWS : કોંગ્રેસમાં હતા ત્યારે ધીમી ગતિએ કામ થતા હતા- નારણ રાઠવા
કોંગ્રેસનાં પૂર્વ રાજ્યસભાનાં સાંસદ નારણ રાઠવા તેમનાં પુત્ર તેમજ 500 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. કમલમમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનાં હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. વડાપ્રધાન મોદીની કાર્યપદ્ધતિથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાયા છીએ. કોંગ્રેસમાં રહીને કામો થતા ન હોવાનો નારણ રાઠવાએ ખુલાસો કર્યો હતો. કોંગ્રેસમાં હતા ત્યારે ધીમી ગતિએ કામ થતા હતા. ભાજપમાં આવ્યા બાદ વિકાસનાં કામો ઝડપી થશે. ભાજપમાં જોડાતા પહેલા સંગ્રામ રાઠવાએ જણાવ્યું હતું કે, અમે પક્ષ પાસે કોઈ અપેક્ષા રાખતા નથી. અમે વિકાસની રાજનીતિ જોઈને ભાજપમાં જોડાયા છીએ. અમારી કોઈ નારાજગી નથી.
NEWS: મોરબી જીલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી પહેલા તમામ પક્ષોમાં ભારે રાજકીય ઉથલપાંથલ જોવા મળી રહી છે. તેવામાં મોરબીમાંથી કોગ્રેસના અનેક કાર્યકર્તાઓ અને આગેવાનો આજે ભાજપમાં જોડાશે. મોરબી જિલ્લા કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા બાદ આગેવાનો અને કાર્યકરો આજે ભાજપનો ખેસ ધારણ કરવા જઇ રહ્યા છે. મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સહિતના નેતાઓ આજે ભાજપમાં જોડાયા હતા. મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિત 200થી વધુ સમર્થકો ગાંધીનગર જવા માટે મોરબીથી રવાના થયા હતા. ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે મોરબીના આગેવાનો વિધિવત ભાજપમાં પ્રવેશ મેળવશે.