છત્તીસગઢના (Chhattisgarh) નવા CM બાદ 2 નાયબ મુખ્યમંત્રીના નામ પણ જાહેર

 

છત્તીસગઢમાં (Chhattisgarh ) નવા મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ રાયના નામ પર મહોર માર્યા બાદ હવે 2 નાયબ મુખ્યમંત્રીના નામની પણ જાહેરાત થઈ છે. રાજ્યમાં વિજય શર્મા અને અરૂણ સાવને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહને વિધાનસભાના અધ્યક્ષ બનાવાયા છે. આજે રાયપુરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય પર ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી, જેમાં આ નામોની જાહેરાત કરવામાં આવી છે.

પૂર્વ મુખ્યમંત્રીને સ્પીકરની જવાબદારી

છત્તીસગઢમાં (Chhattisgarh ) 3 ડિસેમ્બરે પરિણામ આવ્યા બાદ ભાજપે પ્રચંડ જીત મેળવી હતી, ત્યારે 8 દિવસ બાદ રાજ્યના નવા મુખ્યમંત્રી, 2 નાયબ મુખ્યમંત્રીના નામો પર મહોર મરાઈ છે, તો પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહને પણ મોટી જવાબદારી સોંપાઈ છે. આ નામ ફાઈનલ કરવા માટે ભાજપે ત્રણ નિરીક્ષકોને જવાબદારી સોંપી હતી. નિરીક્ષકોએ ધારાસભ્ય દળના સભ્યો સાથે બેઠક કરી હતી અને મુખ્યમંત્રીના નામની પસંદગી પર મહોર મારી હતી.

ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય

તમને જણાવી દઈએ કે, ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષક કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, સર્વાનંદ સોનોવાલ અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમની હાજરીમાં આજે બપોરે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રભારી ઓમ માથુર, કેન્દ્રીય મંત્રી અને ચૂંટણી સહ પ્રભારી ડૉ. મનસુખ માંડવિયા, ભાજપ સંગઠન સહ પ્રભારી નિતિન નબીન સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હોવાની ચર્ચા છે. આ સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અરુણ રાવ, ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ડૉ. રમન સિંહ પણ સામેલ થયા. તો 54 ધારાસભ્યો પણ પ્રદેશ કાર્યાલય પર હાજર રહ્યા હતા.

ભાજપનો છત્તીસગઢમાં (Chhattisgarh) પણ થયો હતો વિજય

ઉલ્લેખનીય છે કે ભાજપે છત્તીસગઢમાં કુલ 90 બેઠકોમાંથી 54 બેઠકો જીતીને બહુમત મેળવી લીધો હતો. જ્યારે કોંગ્રેસે 35 જ બેઠક જીતી હતી અને આ સાથે તેણે સત્તા ગુમાવી દીધી હતી. આ પહેલા કોંગ્રેસના સીએમ ભુપેશ બઘેલ સત્તામાં હતા. છત્તીસગઢમાં ભાજપનો વિજય કોંગ્રેસ માટે મોટો ઝટકો સાબિત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *