
Mocha Cyclone : હવામાન વિભાગ દ્વારા વર્ષ 2023નું પ્રથમ ચક્રવાતી તોફાન મે મહિનામાં આવવાની આગાહી કરવામાં આવી
ભારતીય હવામાન વિભાગે મંગળવારે ચક્રવાતી તોફાનને લઈને એક નવી આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, IMD એ જણાવ્યું છે કે, 6 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય તેવી શક્યતા છે અને પરિણામે આગામી 48 કલાકમાં હવાનું નીચું દબાણ વિસ્તાર બનવાની શક્યતા છે.
બંગાળની ખાડી પર ચક્રવાત
IMD અનુસાર 6 મેના રોજ બંગાળની ખાડી પર ચક્રવાત સર્જાવાની સંભાવના છે. આ અંગે IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું, કેટલીક સિસ્ટમોએ તેને ચક્રવાત હોવાની આગાહી કરી છે. અમે જોઈ રહ્યા છીએ. અપડેટ્સ નિયમિતપણે ઉપલબ્ધ કરવામાં આવશે. તે જ આગાહી પછી ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અધિકારીઓને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા કહ્યું છે.
Mocha Cyclone News : પૂર્વ ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી અસર થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્રીઓએ મેના બીજા સપ્તાહમાં ચક્રવાતી તોફાનની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રીઓએ કહ્યું છે કે, આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી પર લો પ્રેશરનું ક્ષેત્ર બની શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, લો પ્રેશર ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી પ્રબળ સંભાવના છે. આ ચક્રવાતની અસર પૂર્વ ભારતથી બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી લંબાય તેવી શક્યતા છે.
યમને આનું નામ લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ‘મોચા’ના નામ પરથી સૂચવ્યું
Mocha Cyclone News : વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (ESCAP) દ્વારા અપનાવવામાં આવેલી નામકરણ પદ્ધતિ હેઠળ સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવે તો ચક્રવાતનું નામ “મોચા’ હશે. યમને આ ચક્રવાતનું નામ લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ‘મોચા’ના નામ પરથી સૂચવ્યું હતું. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે મંગળવારે ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને ચક્રવાત અંગે IMDની આગાહીને પગલે કોઈપણ ઘટના માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.