મહિલા ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી મિતાલી રાજે ઈન્ટરનેશનલ ક્રિકેટને કહ્યું અલવિદા

મિતાલી રાજે

મહિલા ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી મિતાલી રાજે ઈન્ટરનેશનલ ક્રિકેટને કહ્યું અલવિદા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને નવી ઉંચાઈએ પહોંચાડનારા મિતાલી રાજે ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. મિતાલી રાજ છેલ્લા 23 વર્ષથી ક્રિકેટ રમી રહ્યા છે અને આજે બુધવારના રોજ તેમણે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહીને સૌને ચોંકાવી દીધા છે. 
મિતાલીએ 2 દશકાથી પણ વધુ સમયની ક્રિકેટ કરિયર દરમિયાન રાજ કર્યું છે. તે ભારતમાં મહિલા ક્રિકેટની ઓળખ સમાન છે. તેઓ વનડેમાં સૌથી વધારે રન બનાવનારા મહિલા ખેલાડી છે. ઉપરાંત કેપ્ટન તરીકે પણ સૌથી વધારે જીત મિતાલીના નામે બોલે છે. તેવામાં 39 વર્ષીય મિતાલીએ રિટાયરમેન્ટની જાહેરાત કરી તે મહિલા ક્રિકેટ વર્લ્ડમાં એક મોટી ઘટના કહી શકાય. 

વર્તમાન સમયમાં મિતાલી રાજ માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરમાંથી એક છે. મિતાલીના નામે વનડેમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ છે. સાથે જ ભારત માટે સૌથી લાંબા સમય સુધી કેપ્ટનશિપ કરવાનો રેકોર્ડ પણ મિતાલીના નામે જ છે. 
ક્રિકેટ કરિયરની વાત કરીએ તો મિતાલીએ 232 વનડે મેચમાં 7,805 રન બનાવ્યા છે અને આ દરમિયાન મિતાલીની સરેરાશ 50.68ની રહી છે. વનડે ક્રિકેટમાં મિતાલી સૌથી વધારે રન બનાવનારી મહિલા ક્રિકેટર છે. મિતાલીના નામે 7 શતક અને 64 અર્ધશતક છે. 

ક્રિકેટ ક્ષેત્રે 23 વર્ષની કરિયર દરમિયાન મિતાલી માત્ર 12 ટેસ્ટ મેચ રમી છે જેમાં 43.68ની સરેરાશથી તેણે 699 રન બનાવ્યા છે જેમાં એક ડબલ સેન્ચ્યુરી (214 રન)નો પણ સમાવેશ થાય છે. જો ઈન્ટરનેશનલ ટી-20ની વાત કરીએ તો મિતાલીએ 89 મેચમાં 2,364 રન બનાવ્યા છે. ટી-20 ઈન્ટરનેશનલમાં પણ મિતાલીએ 17 ફિફ્ટી ફટકારી છે. 
કેપ્ટન તરીકે સૌથી વધારે જીત નોંધાવવાનો રેકોર્ડ પણ મિતાલીના નામે જ છે. તેણે 155 વનડે મેચમાં કેપ્ટનશિપ કરી જેમાંથી 89માં જીત અને 63માં હાર મળી છે. મિતાલી રાજ વિશ્વની એકમાત્ર એવી કેપ્ટન છે જેણે 150થી વધારે વનડે મેચમાં કેપ્ટનશિપ કરી છે. 

કેપ્ટન તરીકે રેકોર્ડઃ
મિતાલી રાજ (ભારત): કુલ મેચ 155, જીત-89, હાર-63
સી. એડવર્ડ્સ (ઈંગ્લેન્ડ): કુલ મેચ 117, જીત-72, હાર-38
બી. ક્લાર્ક (ઓસ્ટ્રેલિયા): કુલ મેચ 101, જીત-83, હાર-17

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *