MISGOVERNED CONSTRUCTION : ગાંધીધામમાં રાજવી ફાટક નજીક મહાનગરપાલિકાએ 70 જેટલા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું

MISGOVERNED CONSTRUCTION : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કમિશનર ગુરુવાનીના માર્ગદર્શન હેઠળ રાજવી ફાટકથી રિશી શીપીંગ ભવાનીનગર ફાટક સુધીના વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તા. 22 ડિસેમ્બરના રોજ રોડની જમીન અને પાણીની મુખ્ય લાઈન પરના આશરે 70 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
આ દબાણો રેલવે લાઈનને સમાંતર રોડની પહોળાઈ અને પાણીની લાઈન પર હતા. આ ગેરકાયદેસર બાંધકામોને કારણે મહાનગરપાલિકાની પાણીની લાઈનમાં વારંવાર લીકેજ થતા હતા, જેનાથી પાણીનો મોટા પાયે બગાડ થતો હતો અને પાણી વિતરણમાં મુશ્કેલીઓ સર્જાતી હતી.

વધુમાં, આ દબાણોને લીધે મુખ્ય રસ્તાનું ધોવાણ થતું હતું અને રસ્તો વારંવાર તૂટી જતો હતો, જેના કારણે નાગરિકોને હાલાકી ભોગવવી પડતી હતી. ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી હતી, જેને કારણે આ દબાણો દૂર કરવા અત્યંત જરૂરી બન્યા હતા.
આ કામગીરીમાં મહાનગરપાલિકાના 3 જે.સી.બી., 4 ટ્રેક્ટર અને 15 કર્મચારીઓ જોડાયા હતા. નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજન અને દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રીપ્રસાદ જોષી તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા. મોટાભાગના નાગરિકોએ સ્વેચ્છાએ દબાણ હટાવી મહાનગરપાલિકાને સહકાર આપ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ, દબાણ દૂર થયા બાદ પાણીની લાઈનમાં થયેલા લીકેજને સુધારવા અને રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં પણ દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.