વડોદરામાં વકીલનો આપઘાત…

વડોદરા નજીક આવેલા કરચિયા ગામ પાસે આવેલી આમ્રપાલી સોસાયટીમાં 31 વર્ષના યુવાન વકીલે ઘર કંકાસમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. યુવાને અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, મારા સાસુ-સસરા તથા મારી પત્નીના ત્રાસ બાદ મારા માટે આત્મહત્યા કરવા સિવાયનો કોઇ ઓપ્શન બાકી રહેતો નથી. હું આત્મહત્યા કરી રહ્યો છું, તે આત્મહત્યા નથી, પણ મર્ડર છે. મને મરવા માટે મજબૂર કરનારા મારી પત્ની તથા તેના મા-બાપને સજા થાય, એવી મારી આશા છે. બીજી તરફ યુવાનની માતાએ પણ કેનાલમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, લોકોએ તેમને બચાવી લીધા હતા.
યુવાને દરવાજો ન ખોલતા પરિવારે પોલીસને જાણ કરી
વડોદરા કરચિયા ગામ પાસે આવેલી આમ્રપાલી સોસાયટીના મકાન નં-24માં રહેતા શિરીષ હસમુખભાઇ દરજીએ વકીલાતનો અભ્યાસ કરેલો હતો અને હાલ તે પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. શિરીષે પોતાના ઘરના રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. રૂમની અંદર ગયા બાદ ઘણો સમય થયો હોવા છતાં રૂમનો દરવાજો ન ખોલતા સોસાયટીના રહીશો અને પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી હતી. જેથી જવાહરનગર પોલીસ ઘટના સ્થળે પહોંચીને રૂમ ખોલી હતી.
પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો
રૂમનો દરવાજો ખોલતા શિરીષ દરજી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યાં તબીબે શિરીષને મૃત જાહેર કર્યો હતો. સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બાજવા સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

મારું મર્ડર કરનારને સજા મળવી જોઇએ
મને પણ જાણ છે કે, આત્મહત્યા એ કાયરતાનું પ્રતિક છે. પણ મારી જગ્યાએ પોતાને મૂકીને જોવો. તો કદાચ આત્મહત્યા કરવા મજબૂર કરનાર વધારે ગુનેગાર દેખાશે. મને લાગે છે કે, કદાચ મારી પત્ની તથા તેના ઘરવાળા મારા મોતની રાહ જોવે છે ને હું તેમની ઇચ્છા પૂરી કરવા નથી માગતો, માટે મને હેરાન પરેશાન તથા માનસિક ત્રાસ આપી મારો જીવ લેવા બેઠા છે. બસ આખરમાં મારા મરવા બાદ મારું મર્ડર કરનારને સજા મળવી જોઇએ બસ. મને ત્રાસ આપેલ છે કે નહીં મારા વોટ્સએપ મેસેજમાંથી ખબર પડી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *