કચ્છ ભાગોળે સુરજબારી ધોરીમાર્ગ પર આજે સવારે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના બની છે. જેમાં માળિયા તરફથી કચ્છ બાજુ આવતી ટ્રકની હડફેટે ઘેટાં બકરા આવી જતા અંદાજિત 20 જેટલા ઘેટાના ઘટનાસ્થળેજ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે 4 થી 5 ઘેટાં ગંભીરરૂપથી ઘાયલ થયા છે. અકસ્માત સર્જી નાસી રહેલા ટ્રકને અન્ય માલધારીએ અટકાવી લીધી હતી. જોકે ઘટના અંગે હજુ સુધી પોલીસમાં કોઈ નોંધ થવા પામી હતી. સુરજબારી ટોલ ગેટની હાઇવે પેટ્રોલિંગની ટીમે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરી સુચારુ બનાવી રાખ્યો હતો.
આ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ અકસ્માતની ઘટના આજ સવારે 9 વાગ્યાના અરસામાં સુરજબારી બ્રિજથી માળિયા વચ્ચેના ધોરીમાર્ગ પર બન્યો હતો. જેમાં ટ્રક હડફેટે 20 ઘેટાના મોત થયા હતા. અંજાર તાલુકાના રબારી સમાજના માલધારી પશુ માલ સાથે કચ્છ પરત આવી રહ્યા હતા ત્યારે સુરજબારી બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો.