રાજ્યમાં કાયદાનો ડર દિવસેને દિવસે ઘટતો જતો હોય તેમ લાગી રહ્યું છે. દિવસેને દિવસે મારામારી, લૂંટફાટ અને હત્યાના બનાવોના કારણે સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે તાજેતરમાં મુન્દ્રામાં હત્યાના બનાવને લઇ ગામમાં સનસનાટી વ્યાપી ગઇ હતી.
મળતી માહિતી મુજબ કચ્છના મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે 28 વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવી હતી. તાજેતરમાં થયેલ આ ઘટનામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા કરાઇ હતી.
પોલીસે ગુનો નોંધી તપાસ આદરી
ભજપુર ગામમાં આ ઘટના બનતા ગામ અને તાલુકાના આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઉપરાંત મુન્દ્રા તાલુકાના સામાજિક આગેવાનો અને કાર્યકરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે હત્યાને લઇ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર રૂપિયાની લેતીદેતીના મુદ્દે બબાલ થઇ હતી. જેમાં બબાલે મોટું રૂપ ધારણ કરતા યુવાનના મિત્રોએ જ હત્યા કરી હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઇ રહ્યું છે. ત્યારે પૈસાની લેવડદેવડનો મામલો છેક હત્યા સુધી પહોંચી જતા પરિવારજનોમાં દુખનું મોજું ફરી વળ્યું હતું.