KUTCH : પિયાવા પાસે કાર નાળાંમાં ખાબકતાં બે આશાસ્પદ નવયુવાનનાં મોત
KUTCH : અબડાસાના બે આશાસ્પદ યુવાન હિતરાજસિંહ સરદારસિંહ પલ (22) અને સાવનગિરિ નારાણગિરિ ગોસ્વામી (22) કારથી માંડવીથી કાંડાગરા બાજુ જતા હતા ત્યારે પિયાવા પાસે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર નાળાંમાં ખાબકી હતી.
KUTCH : આ ગોઝારા અકસ્માતમાં બંને યુવાનનાં મોતથી અરેરાટી વ્યાપી છે. મૂળ અબડાસા તાલુકા બાજુના હાલે માંડવીમાં રિદ્ધિ-સિદ્ધિનગર જૈન આશ્રમ ખાતે રહેતા હિતરાજસિંહ અને સાવનગિરિ ગઇકાલે રાતે માંડવીથી કાંડાગરા જવા કાર નં. જી.જે. 01 કે.સી. 0670 લઇ જઇ રહ્યા હતા ત્યારે રાતે 12.20 વાગ્યાના અરસામાં પિયાવા પાસે પહોંચતાં કોઇ અકળ કારણે અકસ્માત સર્જાતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોંગ સાઇડમાં નાળાંમાં ખાબકી હતી. પિયાવાના જીવદયા ગ્રુપ તથા અન્યોની મદદથી અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ આ બંને યુવાનને 108 મારફત માંડવીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતાં બંને યુવાનને મૃત જાહેર કરાયા હતા. એમ.એલ.સી. નોંધી કોડાય પોલીસને જાણ કરાઇ હતી. આ લખાય છે ત્યાં સુધી એમ.એલ.સી.ની વિગતો સિવાય વિધિવત ફરિયાદ હજુ સુધી ન લખાવાયાનું કોડાય પોલીસે જણાવ્યું હતું. આથી અકસ્માત કઇ રીતે થયો તેની માહિતી મળી નથી.