નવી રામસર સાઇટનો દરજજો પ્રાપ્ત કરતું જામનગર જિલ્લાનું ખીજડીયા વન્યજીવ અભયારણ્ય 

▪નિવાસી આયુક્ત શ્રીમતી આરતી કંવરે કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ પાસેથી આ અંગે દરજ્જા પ્રમાણપત્ર મેળવ્યું

નવી દિલ્હી: જામનગર જિલ્લાના ખીજડીયા વન્યજીવ અભયારણ્યને વૈશ્વિક આર્દ્રભૂમિ દિવસના પ્ર્રસંગે નવી રામસર સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. લોકો તેમજ પૃથ્વી માટે આર્દ્રભૂમિની ભૂમિકા અંગે વૈશ્વિક જાગૃતિ વધારવાના હેતુસર વર્ષ ૧૯૭૧માં ઈરાનના રામસર શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આર્દ્ર ભૂમિના મહત્વ અંગે થયેલ ‘રામસર સંધિ’ પર થયેલ હસ્તાક્ષરને અનુલક્ષીને દર વર્ષે ૨જી ફેબ્રુઆરીના રોજ વૈશ્વિક આર્દ્રભૂમિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. હરિયાણાના ગુરુગ્રામ સ્થિત સુલતાનપુર નેશનલ પાર્ક ખાતે હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાત સરકાર વતી નિવાસી આયુક્ત શ્રીમતી આરતી કંવરે કેન્દ્રીય મંત્રીશ્રી ભૂપેન્દ્ર યાદવ પાસેથી ખીજડીયા વન્યજીવ અભયારણ્યને નવી રામસર સાઇટ તરીકેનો દરજ્જો મળ્યા અંગેનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હતું.

ખીજડીયા પક્ષી અભયારણ્ય એ ૬.૦૫ કિ.મી.ના વિસ્તારમાં તાજા પાણીનાં તળાવો,  ખારા તેમજ મીઠા પાણીનાં ખાબોચિયાં ધરાવતું હોવાથી અલગ તરી આવે છે. દેશની આઝાદી પૂર્વે રૂપારેલ નદીનાં પાણીને દરિયામાં વહી જતું રોકવા માટે ચેક ડેમ બનાવવામાં આવ્યો હતો. વર્ષો વીત્યે એક બાજુ વરસાદ અને નદીનું તાજું પાણી અને બીજી તરફ દરિયાનું ખારું પાણી હોઈ એક અલગ વિસ્તારનું નિર્માણ થયું. ખીજડીયા પક્ષી અભયારણ્ય કચ્છની ખાડીમાં જામનગર જિલ્લાના ઉત્તર પૂર્વ દરિયાકિનારે રૂપારેલ નદી અને કાલિન્દ્રી નદીના સંગમ પાસે આવેલું છે અને તેથી એકદમ ખાસ અને અલગ જીવસૃષ્ટિ ધરાવે છે.       

ભારતના જાણીતા પક્ષીનિષ્ણાત સલીમ અલી એ ૧૯૮૪માં ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી ત્યારે એક દિવસમાં પક્ષીઓની ૧૦૪ જાતો શોધી કાઢી હોવાનું નોંધાયું હતું. ખીજડીયા વન્યજીવ અભયારણ્ય ઉપરાંત ઉત્તર પ્રદેશના બખીરા વન્યજીવ અભયારણ્યને પણ રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતમાં આર્દ્રભૂમિ ધરાવતા સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ભૌગોલિક નક્શાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *