જૂનાગઢ: હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દોતલપરા, ખામધ્રોલ રોડ, બસ સ્ટેન્ડ રોડ, રેલ્વે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. જુનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. કોયલી, વાડલા, શાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
જૂનાગઢના ગીરનાર પર્વત પર સવારથી વરસી રહ્યો છે અવિરત વરસાદ, જેના કારણે સીઝનમાં સૌ પ્રથમ વખત દામોદર કુંડમાં પુર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સોનરખ, કાળવા સહિતની નદીઓમાં નવા નીર આવ્યા છે. ગિરનાર પર્વત પર વરસાદના કારણે આહ્લાદક દ્રશ્યો પણ સર્જાયા છે. ગિરનાર તથા દાતાર પર્વત પર પણ અવિરત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે જૂનાગઢમાં નદી નાળાઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે.