International Nurse Day : રાષ્ટ્રીય નર્સ દિવસ 2022 ઇતિહાસ
International Nurse Day : સમગ્ર દુનિયામાં દર વર્ષે મે મહિનાની 12મી તારીખે એટલે કે આજના દિવસને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક દર્દીને નવું જીવન આપવામાં જેટલું યોગદાન એક ડોક્ટરનું હોય છે એટલું જ એક નર્સનું હોય છે. એક નર્સ દર્દીની સેવા તન-મનથી કરતી હોય છે. નર્સ પોતાની પરવા કર્યા વગર એક દર્દીનો જીવ બચાવે છે. આ દિવસ નર્સના એ અમૂલ્ય યોગદાનને સમર્પિત કરવામાં આવ્યો છે. આ સાથે જ દુનિયામાં નર્સિંગની સંસ્થાપના કરનારા ફ્લોરેન્સ નાઈટિંગલ (Florence Nightingale)ને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવે છે.
International Nurse Day : આજથી 178 વર્ષ પહેલાની વાત છે. રશિયા (Russia)ના ક્રિમિયામાં યુદ્ધ ચાલી રહ્યું હતું. આ યુદ્ધમાં એક અંગ્રેજી મહિલા નર્સોની પ્રશિક્ષિકા તરીકે યુદ્ધના વિસ્તારમાં આવી હતી. તેણે રાત-દિવસ જોયા વગર ઘાયલ સૈનિકોની સેવા કરી. રાત્રે પણ તે ફાનસ લઇને ઘાયલોની દેખભાળ માટે નીકળી જતી. સૈનિકોએ તેમને લેડી વિથ ધ લેમ્પ (The Lady With The Lamp) કહેવાનું શરુ કરી દીધું. બાદમાં આ જ નામથી વિખ્યાત થયેલી આ મહિલા બીજું કોઈ નહીં, પરંતુ ફ્લોરેન્સ નાઇટિંગેલ (Florence Nightingale) હતા. તેમણે આધુનિક નર્સિંગને એક ક્રાંતિકારી સ્વરૂપ આપ્યું હતું. 12 મેએ તેમનો જન્મદિવસ ઇન્ટરનેશનલ નર્સિસ ડે (International Nurses Day) તરીકે ઉજવાય છે.
International Nurse Day : ફ્લોરેન્સ નાઈટીંગેલનો જન્મ 12 મે 1820ના રોજ ઈંગ્લેન્ડ (England)ના એક સમૃદ્ધ પરિવારમાં ઈટાલીના ફ્લોરેન્સ શહેરમાં થયો હતો. એ જ શહેરના નામ પર તેમનું નામ પણ રાખવામાં આવ્યું. બાદમાં તેમનો પરિવાર ઈંગ્લેન્ડ પાછો આવી ગયો હતો. તેમનું શિક્ષણ હેમ્પશાયર અને ડર્બીશાયરમાં થયું હતું. કુલીન પરિવારમાં જન્મ્યા પછી પણ તેમણે લોકોની સેવા કરવાનું પસંદ કર્યું. આ માટે તેમને પરિવારના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો, પરંતુ ટૂંક સમયમાં જ તેમને ફ્લોરેન્સના સંકલ્પ સામે ઝુકવું પડ્યું.