ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજી અને નિર્ણાયક મેચમાં 5 વિકેટે ધૂળ ચટાડીને 2-1થી સીરિઝ પોતાના નામે કરી લીધી છે. ભારતની આ જીતના હીરો સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી રહ્યા હતા જેમણે અડધી સદી ફટકારી હતી. બન્ને બેટ્સમેનો વચ્ચે ત્રીજી વિકેટ માટે સદીની ભાગીદારી પણ થઇ હતી. ફોર્મમાં પરત ફરેલા કિંગ કોહલીએ પોતાની ઇનિંગનો પ્રારંભ આક્રમક અંદાજમાં કર્યો હતો. તે શરૂઆતના કેટલાક બોલને બાઉન્ડ્રીની પાર મોકલી રહ્યો હતો પરંતુ જ્યારે સૂર્યકુમાર યાદવે ઝડપથી રમવાનું શરૂ કર્યુ તો વિરાટ કોહલી ધીમે બેટિંગ કરવા લાગ્યો હતો કારણ કે કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે તેને ડગ આઉટથી આ મેસેજ મોકલ્યો હતો. હાં, મેચ પછી ખુદ વિરાટ કોહલીએ તેનો ખુલાસો કર્યો છે.
વિરાટ કોહલીએ મેચ પછી કહ્યુ, જ્યારે સૂર્યકુમારે આક્રમક અંદાજમાં બેટિંગ કરવાનું શરૂ કર્યુ તો મે પણ ડગ આઉટ તરફ જોયુ હતુ. રોહિત શર્મા અને રાહુલ ભાઇ બન્નેએ મને કહ્યુ, તમે માત્ર બેટિંગ કરતા રહો, કારણ કે સૂર્યા તેને સારી રીતે મારી રહ્યો હતો. આ માત્ર એક ભાગીદારી બનાવવા વિશે હતુ. મે હજુ પોતાના અનુભવનો થોડો જ ઉપયોગ કર્યો છે.
સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરતા વિરાટ કોહલીએ કહ્યુ, તે જે કરવા માંગે છે તેમાં પૂર્ણ સ્પષ્ટતા છે, તેની પાસે કોઇ પણ સ્થિતિમાં બેટિંગ કરવાની ક્ષમતા છે. તે પહેલા જ બતાવી ચુક્યો છે, તેને ઇંગ્લેન્ડમાં સદી ફટકારી, તેને એશિયા કપમાં શાનદાર બેટિંગ કરી, અહી તે બોલને હિટ કરી રહ્યો છે અને સાથે જ હું તેને સ્ટ્રાઇક કરતા જોઇ રહ્યો હતો. છેલ્લા 6 મહિનામાં તે શાનદાર રમી રહ્યો છે, તેની પાસે કેટલાક શોટ છે અને તે શોટ્સને યોગ્ય સમય પર રમવાની એક જોરદાર કૌશલ છે. તે એક એવો વ્યક્તિ છે જે પોતાની રમતને અંદરથી જાણે છે, તેને ટાઇમિંગની ભેટ મળી છે અને હું તેને પોતાના શોટ રમતા જોઇને ચોકી ગયો હતો.
મેચની વાત કરવામાં આવે તો ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે 186 રન બનાવ્યા હતા જેને ભારતે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો, વિરાટ કોહલીએ આ દરમિયાન 63 તો સૂર્યકુમાર યાદવે 69 રનની ઇનિંગ રમી હતી. જોકે, મેન ઓફ ધ મેચનો એવોર્ડ અક્ષર પટેલને આપવામાં આવ્યો હતો જેને 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.