
ગુરુનો મહિમા: અજ્ઞાનથી જ્ઞાન તરફનો દિવ્ય માર્ગ
લેખક: ડૉ. કૃણાલ જોશી ભાગવત કથાકાર પ્રજ્ઞાચક્ષુ
વ્યક્તિ ગમે તે ક્ષેત્રમાં આગળ હોય, પરંતુ કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ગુરુની આવશ્યકતા રહે જ છે. ‘ગુ’ એટલે અંધકાર અને ‘રુ’ એટલે પ્રકાશ. જીવનમાં આવતા અવરોધો સામે જે મને અને તમને લડવાની શક્તિ આપે, અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય, તે ગુરુ છે.
આપણી સનાતન પરંપરામાં જો સમજીએ તો ભગવાન શિવ જગતગુરુ છે, ભગવાન શ્રીકૃષ્ણ જગતગુરુ છે. તેથી જ કહેવામાં આવ્યું છે— “કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્.” ભગવાન વેદવ્યાસજી આપણા આદિગુરુ છે. ભગવાન વ્યાસજીનું પ્રાગટ્ય જે પૂર્ણિમાના દિવસે થયું, તે દિવસ ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે.
શિષ્ય માટે ગુરુ એ ભગવાન સમાન છે. ગુરુના શબ્દો સૂર્યની કિરણો જેવા છે અને ગુરુના ચરણ કમળ જેવા પવિત્ર છે.
ગુરુને માત્ર વ્યક્તિ ન માનશો અને વ્યક્તિને જ ગુરુ ન માનશો. ગુરુ એક એવી હસ્તી છે, એક એવું દિવ્ય તત્ત્વ છે, જે પ્રસન્ન થાય ત્યારે શિષ્યને અપરંપાર કૃપા કરે છે. આપણા શાસ્ત્રોમાં પ્રસંગ આવે છે કે ગુરુ પોતાના પુત્ર કરતાં પણ પોતાના શિષ્યને વધુ આપે છે.
ગુરુ દ્રોણાચાર્યે અશ્વત્થામાને જ્યારે બ્રહ્માસ્ત્રની વિદ્યા શીખવાડી, ત્યારે માત્ર બ્રહ્માસ્ત્ર છોડતા શીખવાડ્યું હતું; પરંતુ અર્જુનને બ્રહ્માસ્ત્રની વિદ્યા આપતી વખતે તેને છોડતા પણ શીખવાડ્યું અને પાછું વાળતા પણ શીખવાડ્યું.
ભગવાનની કૃપાથી આંખ મળે, પરંતુ સદગુરુની કૃપાથી દૃષ્ટિ મળે. આંખથી જગત દેખાય, જગતના લૌકિક પ્રપંચો દેખાય; પરંતુ ગુરુ જ્યારે દૃષ્ટિ આપે, ત્યારે એ દૃષ્ટિથી ભગવાનના દર્શન થાય છે.
શિવમહિમ્ન સ્તોત્રના રચયિતા પુષ્પદંતાચાર્ય વર્ણવે છે કે ગુરુ સમાન કોઈ તત્ત્વ નથી.
શિષ્ય જ્યારે સંપૂર્ણ સમર્પિત ભાવથી ગુરુના શરણે જાય છે, ત્યારે તેના કલ્યાણની સંપૂર્ણ જવાબદારી ગુરુની બની જાય છે. રામાયણમાં પ્રસંગ આવે છે કે મહારાજ દશરથ પોતાના ગુરુ વશિષ્ઠજી પાસે ગયા અને પૂછ્યું કે મને પુત્રપ્રાપ્તિ ક્યારે થશે? ત્યારે ગુરુદેવ વશિષ્ઠજીએ આશીર્વાદ આપ્યો કે તમને ચાર પુત્રોની પ્રાપ્તિ થશે, પરંતુ તેના માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરવો પડશે.
આ સમગ્ર પ્રસંગનો સાર એટલો જ છે કે મહારાજ દશરથે ગુરુનો આશ્રય લીધો. યજ્ઞ પણ વશિષ્ઠજીએ કરાવ્યો, આહુતિ પણ તેમણે જ આપી અને એ આહુતિના ફળરૂપે ભગવાન શ્રીરામ દશરથજીના ઘેર પ્રગટ્યા. આ ગુરુના મહિમાનું જીવંત ઉદાહરણ છે.
અર્જુન અનન્ય ભાવથી ભગવાન શ્રીકૃષ્ણના શરણે ગયો, તેથી તેને ગીતાનો પ્રસાદ મળ્યો. ગીતાના જ્ઞાનથી તેનો વિશાદ દૂર થયો.
દરેક વ્યક્તિને દીક્ષા ગુરુ અને શિક્ષા ગુરુ બંને હોવા જોઈએ. દીક્ષા ગુરુ એટલે જેમની પાસેથી મંત્રદીક્ષા પ્રાપ્ત થાય. ગુરુએ આપેલા મંત્રનું અનુષ્ઠાન કરીએ તો આધ્યાત્મિક માર્ગે પ્રગતિ થાય છે.
શિક્ષા ગુરુની વાત કરીએ તો દીક્ષા ગુરુ એક હોય, પરંતુ શિક્ષા ગુરુ અનેક હોઈ શકે. જેમની પાસેથી જ્ઞાન મળે તે શિક્ષા ગુરુ છે. શ્રીમદ્ ભાગવતના અગિયારમા સ્કંધમાં ભગવાન દત્તાત્રેયે ચોવીસ ગુરુ બનાવ્યા હતા અને વિવિધ સ્થાનોમાંથી શિક્ષા મેળવી હતી.
આ પ્રસંગ સમજાવે છે કે વ્યક્તિનો જન્મ બે વખત થાય છે. પ્રથમ જન્મ માતા દ્વારા થાય છે અને બીજો જન્મ ગુરુ દ્વારા થાય છે.
પ્રાચીન સમયમાં શાળામાં ગુરુને “માસ્તર” તરીકે સંબોધવામાં આવતા. “માસ્તર” એટલે જે માણસને પોતાના તારણનો માર્ગ બતાવે.
ગુરુ માત્ર જ્ઞાન જ આપતા નથી, પરંતુ શિષ્યના ભયને પણ દૂર કરે છે. શ્રીમદ્ ભાગવતમાં પ્રસંગ આવે છે કે સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને માત્ર જ્ઞાન જ આપ્યું નહોતું, પરંતુ તેમની અંદર રહેલો મૃત્યુનો ભય પણ દૂર કર્યો હતો.
પરીક્ષિત મહારાજને સાતમા દિવસે તક્ષકના દંશથી મૃત્યુ થવાનું હતું. ત્યારે સુખદેવજીએ તેમને મૃત્યુને કેવી રીતે મંગલમય બનાવવું તે સમજાવ્યું. ભાગવતરૂપ દૃષ્ટિ પ્રાપ્ત થતાં પરીક્ષિત મહારાજે કહ્યું, “હું તમારા વચનોથી અનુગૃહિત થયો છું. તમે મને ભાગવતના સ્વરૂપમાં પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરાવ્યા. હવે મને તક્ષકનો કોઈ ભય નથી. તે કાલે આવે કે આજે આવે.”
ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું, “હે રાજન! જ્યારે તને તક્ષકનો ભય રહ્યો નથી, ત્યારે સમજી લે કે તું મરવાનો નથી. મનુષ્યનું શરીર મરે છે, આત્મા ક્યારેય મરતો નથી.”
આવું આત્મજ્ઞાન આપી સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજનો ભય દૂર કર્યો. આ જ ગુરુનું કાર્ય છે—શિષ્યના જીવનમાં આવતા અવરોધો દૂર કરવાનું અને તેને જ્ઞાન, કર્મ તથા ભક્તિના માર્ગે આગળ વધારવાનું.
આજે મને મારા સદગુરુ શ્રી શિવગીરી ગુરુ મહારાજ તથા મહામંડલેશ્વર ૧૦૦૮ સ્વામી શ્રી રાજેશ્વરાનંદ ભારતીજી મહારાજના વચનો યાદ આવે છે. સ્વામીજી હંમેશા કહેતા હતા, “જેમના પાસે કામ છે, તેમના પાસે રામ છે.”
જો આપણે કર્મનિષ્ઠાથી કાર્ય કરીશું તો ભગવાન હંમેશા આપણી સાથે રહેશે. આપણું કર્મ જ આપણી પૂજા છે.
દરેક વ્યક્તિએ એકવાર વિચારવું જોઈએ કે હું જે ક્ષેત્રમાં કાર્ય કરું છું, તેમાં લોકોનો સંતોષ વધે છે કે નહીં? મારા કાર્યથી કોઈને સુખ મળે છે કે નહીં? હું કોઈને દુઃખ તો નથી પહોંચાડતો ને? આ સમજ ગુરુ દ્વારા જ પ્રાપ્ત થાય છે. તેથી જીવનમાં ગુરુની પરમ આવશ્યકતા છે.
આપણા જ્ઞાનમાર્ગી ભક્ત અખાએ ગુરુનો મહિમા ગાતાં લખ્યું છે
“સદગુરુની શોભા શું કહું?
મુખે વર્ણવ્યું ન જાય.
શિવ, વિરંચિ, શારદા, વેદ,
વિમલ યશ ગાય.”
અર્થાત્ વેદો પણ ગુરુનો મહિમા ગાય છે અને દેવતાઓ પણ ગુરુની મહિમાનું ગાન કરે છે.
આપણા જીવનમાં સાત્વિક વિચારોનું સર્જન બ્રહ્માજી કરે છે, તેનું પોષણ ભગવાન વિષ્ણુ કરે છે અને આપણી અંદરની વિકૃતિઓનો નાશ મહાદેવ કરે છે. તેથી જ આપણે હંમેશા સ્મરણ કરીએ છીએ
“ગુરુ બ્રહ્મા, ગુરુર્વિષ્ણુઃ, ગુરુર્દેવો મહેશ્વરઃ।
ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ॥”
ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ જ સાક્ષાત્ મહાદેવ છે. આવો, ગુરુની કૃપાનો અનુભવ કરીને જીવનને ધન્ય બનાવીએ.
