ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે ત્યારથી લોકોમાં ચર્ચા છે અને ભાજપમાં નવો પડકાર છે તો કોંગ્રેસમાં ચિંતા છે
આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં બીજી વખતે ચૂંટણી જીત્યા બાદ તેમનો રથ આગળ વધારવાનું વિચાર્યું હતું તેમાં પણ પંજાબમાં જીતનો પાવર બતાવ્યા બાદ ગુજરાતમાં ગટ્સ બતાવવા માટે આપ પાર્ટીએ નક્કી કરી લીધું છે. પરંતુ જનતા આપને કેટલી સ્વિકારે છે એ તો ચૂંટણી પરીણામ બાદ જ ખબર પડશે. કેમ કે, ત્રીજા પક્ષને ગુજરાતની જનતાએ આપના આવ્યા પહેલા નથી સ્વિકાર્યો. પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહીતનાનો ત્રીજો પક્ષ ફાવ્યો નથી.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સીએમ તરીકેનો કોઈ ચહેરો ઘોષિત નથી કરાયો ત્યારે અરવિંદ કેજરીવાલનો મોટો ચહેરો દર્પણ તરીકે બતાવવામાં આવી રહ્યો છે. ત્યારે આપ પાર્ટી દ્વારા એક પછી એક કરવામાં આવેલી ગેરન્ટીરુપી જાહેરાતોએ શહેરી વિસ્તારની અંદર ખાસ કરીને વઘુ ચર્ચા વધારી છે.
આમ આદમી પાર્ટીની સભાઓ અને કેજરીવાલની ગેરન્ટી બાદ શહેરી વિસ્તારમાં મોટો ફર્ક પડી શકે છે. અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ પાર્ટીએ શહેરી વિસ્તારમાં પણ ચર્ચા જગાવી છે તો 27 વર્ષથી શહેરોમાં ભાજપે કોઈ પક્ષને ફાવવા નથી દીધો. શહેરોમાં કોંગ્રેસ આજ સુધી પ્રભાવ નથી પાડી શકી ત્યારે આમ આદમી પાર્ટીના આવવાથી ચિંતા વધી શકે છે. જો કે, બીજેપી દ્વારા શહેરોમાં અમદાવાદ સહીત મોટા લોકાર્પણો અને ખાતમૂહુર્ત અને વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી વિકાસનો એજન્ડા ચાલ્યો છે ત્યારે આ એજન્ડાને તોડવા માટે કેજરીવાલે પણ ફ્રી વીજળી, શિક્ષણ, હેલ્થની સુવિધાનું જે ગેરન્ટી કાર્ડ આપ્યું છે, તે વધુ છાપ છોડી શકે છે.
આમ આદમી પાર્ટીની સભામાં મળતી વિગતો અનુસાર કેટલાક કાર્યકરો આવીને ગોઠવાઈ જાય છે અને ભાજપના નારા પણ બોલાવતા હોય છે. આ પહેલા 2017માં પણ રાહુલ ગાંધીની સભામાં આ પ્રકારે નારાઓ સાંભળવા મળ્યા હતા. અરવિંદ કેજરીવાલ સિધા જ પ્રહારો બીજેપી ગુજરાત સરકાર પર કરે છે. કેજરીવાલનો સ્પષ્ટ એજન્ડા છે ત્રીજી પાર્ટી તરીકે નહીં પરંતુ બીજી પાર્ટી તરીકે ઉભરવાનો એટલા માટે કોંગ્રેસને વચમાં લાવ્યા વિના આપની સિધી જ ટક્ક બીજેપી સાથે હોય તેમ કોંગ્રેસનો ઉલ્લેખ સુદ્ધા નથી કરતા. ત્યારે બીજેપી માટે પણ શહેરી વિસ્તારમાં મોટો પડકાર સાબિત ના થાય તે પણ જોવું રહ્યું. કેમ કે, આમ આદમી પાર્ટીનું ઉદભવસ્થાન જ શહેરી વિસ્તાર એવા દિલ્હી છે ત્યારે સતત બે ટર્મથી તેઓ ત્યાં ભારે બહુમતીથી જીતતા આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ સૂરત સહીતના શહેરોમાં સીટો વધુ તોડી શકે છે તેવો ડર પણ ભાજપને સતાવતો હશે.