ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં દરેક રાજકીય પક્ષ માટે ચૂંટણીની ટીકીટ માથાનો દુખાવો સમાન થયો છે. આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના વધુ એક નેતાએ ચૂંટણી લડવા અંગે મોટું નિવેદન આપ્યું હતું. ગુજરાત રાજ્યના ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને તેણે કહ્યું હતું કે જો પાર્ટી ટીકીટ આપશે તો હું ચૂંટણી લાડવા માટે તૈયાર છું. તેમણે કહ્યું હતું કે ચૂંટણી લડવાની ઈચ્છા તો દરેક વ્યક્તિની હોય છે અને નાંદોદ વિધાનસભા મારી કર્મ ભૂમિ તેમજ જન્મભૂમિ છે. જો પાર્ટી ટીકીટ આપશે તો ચૂંટણી લડીશ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભરૂચ જિલ્લાની જંબુસર અને વાગરા વિધાનસભાના સંભવિત ઉમેદવારોની યાદી આજે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. આ વાયરલ યાદીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સંબોધીત થતા અનેક અટકળો વહેતી થઇ હતી. આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે લેટર વાયરલ થયો છે તેમાં કોઈ જ તથ્ય નથી. કેટલાક ચૂંટણીમાં મહત્વકાંક્ષી લોકો આવા પ્રકારના કૃત્યો કર્યું હોવાનું જણાયું હતું.
નોંધનીય છે કે આજે હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ જાહેરાત બાદ હવે દરેક પક્ષની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પર રહેશે. ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીએ જ પોતાના 41 ઉમેદવારોની જાહેરાત કરી છે જયારે કોંગ્રેસ કે ભાજપ દ્વારા કોઈ જ ઉમેદવારનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી. જો કે બંને પક્ષો હાલ ચૂંટણીની તારીખોની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ બન્ને પક્ષો પોતાની ઉમેદવારીનું લિસ્ટ જાહેર કરી શકે છે.