૧૦૦ ટકાથી વધુ વરસાદ ગુજરાતમાં પડી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ ૫ડવાની સંભાવના છે.
સરદાર સરોવર ડેમ ૧૩૬.૭ મીટરની સપાટી પર છે જ્યારે રાજ્યમાં ૯૮ જળાશય હાઇ એલર્ટ, ૧૮ જળાશય એલર્ટ અને ૧૪ જળાશય વોર્નીગ ૫ર છે.
વિગતવાર જોઈએ તો ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૦.૯૮ ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૪૨.૩૫ ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ ૮૬ લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં ૮૨ લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં એટલે કે ૯૫ ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે.
ખાસ કરીને કેટલાક વિસ્તારમાં અત્યારે પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે વધુ વરસાદ પણ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ વખતે સારો વરસાદ હોવાના કારણે ખેડૂતો પણ ખુશ હાલ છે તો ક્યાંક ખેતરોમાં હજુ પણ પાણી ભરાયા છે.
ડેમોની આ છે સ્થિતિ :
SEOC ગાંધીનગર તરફથી મળતી વિગતો અનુસાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૬.૭ મીટર સુધી પહોંચી છે એટલે કે ડેમમાં ૯૩.૪૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૪,૪૨,૬૨૫ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૭૯.૩૦ ટકા જેટલો છે. હાલમાં રાજ્યમાં ૯૮ જળાશય હાઇ એલર્ટ, ૧૮ જળાશય એલર્ટ અને ૧૪ જળાશય વોર્નીગ ૫ર છે.
આ વિસ્તારમાં વરસાદની વકી :
હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ ૫ડવાની સંભાવના છે.
રાજયમાં હાલ અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિદ્વારકા, ગીરસોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, નવસારી, રાજકોટ, સુરત અને વલસાડમાં NDRFની ૧-૧ ટીમ મળી કુલ-૧૨ ટીમો તૈનાત કરાઈ છે. તેમજ ૧ ટીમ ગાંધીનગર અને ૨ ટીમો વડોદરા ખાતે એમ કુલ ૩ ટીમો રીઝર્વ છે. તેમજ રાજયમાં હાલ SDRFની કુલ ૧૧ પ્લાટુન રીઝર્વ છે.