પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા સબ જેલના એક કેદીને તેની પત્ની પોલીસને ગુમરાહ કરીને પોલીસના જાપ્તામાંથી ભગાડી ગઈ હતી. છ વર્ષ અગાઉની આ ઘટના અંગેનો કેસ પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને પતિ પત્નીને કેદની સજા ફરમાવી હતી. જ્યારે આ કિસ્સાના આરોપી ચાર પોલીસ કર્મચારીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ કર્યો હતો.
પાટણ શહેરના વસુંધરા પાર્ક સોસાયટીમાં રહેતા તરુણકુમાર ઉર્ફે પીન્ટુ ભરતભાઈ બારોટને જાન્યુઆરી 2016માં પાટણ સુજનીપુર સબ જેલના કેદી તરીકે સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં પોલીસના ગાર્ડના જાપ્તા હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. તરુણ કુમારના પત્ની હીનાબેન રહે હરકોર નગર સોસાયટી અવારનવાર મળવા માટે આવતા હતા. દરમિયાન 13 જાન્યુઆરી 2016ના રોજ હીનાબેન બારોટ તેમના પતિના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં જામીન મંજૂર થઈ ગયેલ છે.
કાગળ ઉપર પતિની સહી કરાવી હતી. ફરીથી આવી કાગળો થઈ ગયા છે અને બારોબાર છોડવાનો હુકમ આવશે તેમ જણાવી પોલીસ ગાર્ડ નાનજીભાઈ બબાભાઈ ચૌધરી રહે પોલીસ હેડ ક્વાર્ટરને વિશ્વાસમાં લઈ તેના પતિને નાસ્તો ભોજન કરાવવાના બહાને બહાર લઈ ગયા બાદ પતિ સાથે છૂમંતર થઈ ગઈ હતી.
કેસ સોમવારે પાટણના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી પ્રિયંકા લાલ સમક્ષ ચાલી જતા ફરિયાદી પોલીસ પક્ષ વતી સરકારી વકીલ અજીતાબેન ભટ્ટ તેમજ અન્ય વકીલોની રજૂઆતો દલીલો સાંભળ્યા બાદ આરોપી તરુણ બારોટને આઇપીસી કલમ 224ના ગુનામાં બે વર્ષની સાદી કેદ અને રૂપિયા 1000 દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદ જ્યારે આરોપી હીનાબેન બારોટને આઇપીસી કલમ 225ના ગુનામાં એક વર્ષની સાદી કેદ અને રૂપિયા 500 દંડના ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવા જ્યારે પોલીસ કર્મચારીઓ નાનજીભાઈ ચૌધરી વિક્રમભાઈ પટણી રાજુભાઈ વાઘેલા અને નરેશ વસાવાને શંકાનો લાભ આપીને છોડી મૂકવા હુકમ કર્યો હતો.