અમદાવાદમાં અટલબ્રિજ પરયુવકનો આપઘાત

અટલ બ્રિજ પરથી આપઘાતની પહેલી ઘટના

રાજ્યમાં આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં અમદાવાદ શહેરમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. અમદાવાદના અટલ બ્રિજ પરથી યુવકે નદીમાં કૂદી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો અને ફાયરના જવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા છે અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે. જોકે, હાલ યુવકના મૃતદેહની શોધખોળ કરવામાં આવી રહી છે.

અટલબ્રિજ પરથી નદીમાં કૂદી યુવકના આપઘાત
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે થોડા સમય પહેલા જ અટલબ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અટલ બ્રિજના ઉદ્ઘાટન બાદ અહીં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે. ત્યારે અટલ બ્રિજ પરથી નદીમાં કૂદી યુવકના આપઘાતનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. અટલ બ્રિજ પર લગાવેલા ફ્રેમ પરથી યુવકે નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે.

સિક્યુરિટી-બાઉન્સર હોવા છતાં યુવક નદીમાં કઈ રીતે કૂદ્યો
જોકે, બ્રિજ પર સિક્યુરિટી અને બાઉન્સર હોવા છતાં આ યુવક બ્રિજ પર લગાવેલ ફ્રેમ પાસે કેવી રીતે પહોંચ્યો અને ત્યાંથી નદીમાં છલાંગ લગાવે તે પહેલાં તેને કોઈ કેમ બચાવી શક્યું નહીં. જેને લઇને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તેમજ ફાયરના જવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

બ્રિજની ફ્રેમ પાસેથી મળ્યો યુવકનો મોબાઈલ ફોન
ત્યારે હાલ ફાયરના જવાનો દ્વારા યુવકનો મૃતદેહ શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે અટલ બ્રિજની ફ્રેમ પાસેથી યુવકનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા આ યુવક કોણ છે અને આપઘાત પાછળ શું કારણ છે તે દિશામાં તપાસ કરી રહી છે.

અટલ બ્રિજ પરથી આપઘાતની પહેલી ઘટના
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં વધતી જતી આત્મહત્યાની ઘટનાઓના પગલે રિવરફ્રન્ટ પર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. તેમ છતાં રિવરફ્રન્ટ પર આવેલા અને થોડા સમય પહેલાં જ લોકો માટે ખુલ્લો મુકાયેલા અટલ બ્રિજ પરથી યુવકે આપઘાત કર્યાની પહેલી ઘટના સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *