2023ના પહેલા જ દિવસે આગ ના સમાચાર: 9 લોકો દાઝ્યા, ફાયરવિભાગનું ઓપરેશન શરૂ

સવારે લગભગ 11 વાગે અચાનક જોરદાર વિસ્ફોટથી અફરાતફરીનો માહોલ

મહારાષ્ટ્રના નાસિકમાં વર્ષના પ્રથમ દિવસે મોટી દુર્ઘટના

મહારાષ્ટ્રના નાસિકમાં વર્ષના પ્રથમ દિવસે એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. નાસિક-મુંબઈ હાઈવે પર સ્થિત ગોંડે ગામમાં જિંદાલ કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 9 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. આ અકસ્માત સવારે લગભગ 11 વાગે થયો હતો. આ કંપનીનું બોઈલર ફાટતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે તેની અસર 20 થી 25 ગામોમાં અનુભવાઈ હતી.

આ કંપની બંધ વિસ્તારમાં હોવાથી હજુ સુધી સંપૂર્ણ માહિતી બહાર આવી નથી. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આગમાં દાઝી ગયેલા લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર ટેન્ડરો સ્થળ પર આગ ઓલવવામાં રોકાયેલા છે. જિલ્લા કલેક્ટર ગંગાધરન ડી અને પોલીસ એસપી શાહજી ઉમપ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર અધિકારીઓએ જણાવ્યું કે, આગ ભીષણ રીતે ફેલાઈ રહી છે. કારખાનામાં કાચા માલના પ્રકારને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ રહી છે. તેથી આગ પર કાબૂ મેળવવામાં વધુ સમય લાગી શકે છે. આગ લાગવાનું કારણ શું છે, તે હજુ જાણી શકાયું નથી.

આ તરફ અધિકારીઓના જણાવ્યા અનુસાર જિંદાલ ગ્રુપની આ કંપની ઇગતપુરીના મુંધેગાંવ પાસે છે. અચાનક સવારે કારખાનામાં જોરદાર વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી. ત્યાં હાજર કામદારો કંઈ સમજે ત્યાં સુધીમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને થોડી જ વારમાં ઘણા લોકો ઘાયલ થઈ ગયા હતા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને બ્લાસ્ટ બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. મળતી માહિતી મુજબ કંપનીની હાલત ગંભીર છે. આગના કારણે ફેક્ટરીમાં વારંવાર વિસ્ફોટ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *