Earthquake : ઉત્તર ગુજરાતમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ:પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં આંચકા અનુભવાયા; પાટણથી 13 કિમી દૂર સેવાળા ગામમાં એપીસેન્ટર
Earthquake : ઉત્તર ગુજરાતમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ:પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં આંચકા અનુભવાયા; પાટણથી 13 કિમી દૂર સેવાળા ગામમાં એપીસેન્ટર
Earthquake : ઉત્તર ગુજરાતમાં ફરી ધરા ધ્રુજી હોવાના અહેવાલ છે.
ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં અનુભવાયા હતા. જેનું પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં કેન્દ્ર બિંદુ હતું. રાત્રે 10.16 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
Earthquake : મહેસાણા જિલ્લામાં પણ લોકોએ આંચકો અનુભવ્યો
મહેસાણા જિલ્લામાં પણ રાત્રે 10.35 કલાકના અરસામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં ખેરાલુ ખાતે પણ ભૂકંપનો આંચકો આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે એકાએક ભૂકંપના આંચકા આવતા લોકો પોતાના ઘર બહાર દોડી આવ્યા હતા. તેમજ આસપાસના ગામોમાં રહેતા પોતાના સ્વજનોને ભૂકંપના આંચકા અંગે પણ પૂછપરછ કરતાં જોવા મળ્યા હતા. પાટણ જિલ્લામાં આવેલા ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે પણ ભૂકંપનો આંચકો આવતા ગામના લોકો પોતાના ઘર બહાર દોડી આવ્યા હતા.
Earthquake : બનાસકાંઠા જિલ્લા ઠંડીની શરૂઆતમાં ભૂકંપના આંચકા
બનાસકાંઠા જિલ્લા રાત્રીના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જિલ્લાના પાલનપુર, કાણોદર, દાંતા, અમીરગઢ, ઈકબાલગઢ સહિતના વિસ્તારમાં ભૂકંપની અસર જોવા મળી હતી. જોકે, અચાનક ભૂકંપના આંચકા અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, ભૂકંપનું એપી સેન્ટર પાટણ નજીક હોવાનું જાણવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લા હજુ સુધી ક્યાંય નુકસાન થયાની વિગતો જાણવા મળી નથી.
Earthquake : સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અસર
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના આદરીયાણા, વણોદ, ખારાઘોડા, પાટડી અને ચિકાસર સહિતના ગામોમાં ભૂકંપના જોરદાર આંચકાનો અનુભવ થતાં લોકો તાકીદે બીકના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર સહિતના તાલુકાઓમાં પણ ભૂકંપના આંચકાની જોરદાર અસર જોવા મળી હતી. તો કેટલાંક ગામડાઓમાં લોકોએ બે-બે વખત થોડી-થોડીવારના અંતરે ભૂકંપના આંચકાનો અનુભવ થતાં લોકો ઘરની બહાર દોડ્યા હતા.
Earthquake : પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો
પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં રાત્રે 10:16 મિનિટે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. રાત્રે ઘરમાં બેઠેલા લોકોને કે બેડમાં સૂતેલા લોકોને ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. પાટણ, હારીજ, સમી, શંખેશ્વર, ચાણસ્મા, સિધ્ધપુર સહિત પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. રિસર્ચ સ્કેલ પર 4.2નો આંચકો હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જણાવાયું છે. અચાનક ધરતી ધ્રૂજવા લાગતા તેમજ ઘરમાં વાસણ સહિતની ચીજવસ્તુઓ ખખડી હતી. જેના કારણે લોકોમાં ડરનો અનુભવ થતાં અનેક લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.