VHP અમદાવાદ હોટલ ઝુંબેશમાં ડ્રગ્સ રેકેટ ઝડપાયું, હોટલમાં વિધર્મી યુવક-યુવતીને શોધવા ગયા ને ડ્રગ્સ ઝડપાયું

વિશ્વ હિન્દુ પરિષદ ( VHP) અને બજરંગ દળ દ્વારા રાજ્યની તમામ હોટલમાં ચેકિંગ કરીને વિધર્મી યુવકોને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં બુધવારે અમદાવાદના પોશ ગણાતા નહેરુનગર નજીક એક હોટેલમાં વિધર્મી યુવક એક યુવતી સાથે આવ્યો હોવાની બાતમી VHPને મળી હતી.

જેથી બજરંગ દળ અને VHP વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં એક યુવતી હાજર હતી, પરંતુ તે નજર ચૂકવીને ભાગવામાં સફળ થઈ ગઈ હતી. તે દરમિયાન બે બીજા લોકો ત્યાં આવ્યા હતા. આ લવ જેહાદ નહીં પણ ડ્રગ્સ રેકેટ હતું. અહીંયાં આવેલા બે લોકો ડ્રગ લેવા આવ્યા હતા, જેને VHP અને બજરંગ દળે ઝડપી પાડ્યા હતા. જે બાદ તેના ફોનના આધારે ટ્રેપ ગોઠવીને પાલડી નજીકથી ડ્રગ્સ આપવા આવનાર એક વ્યક્તિને રંગે હાથે ઝડપી લીધો હતો. આ સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચતા એલિસબ્રિજ પોલીસે આ સંદર્ભે ડ્રગ્સ અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદના વિશ્વ હિન્દુ પરિષદના (VHP) પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતને સાંજના ચાર વાગ્યાની આસપાસ એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, વિધર્મી યુવક યુવતીને લઈને નહેરુનગર પાસેની એક હોટલમાં આવ્યો છે. જેથી VHPના કાર્યકરો વિધર્મી યુવકને સબક શિખવાડવા ત્યાં પહોંચ્યા હતા. તેમની સાથે બજરંગ દળના ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રમુખ જ્વલિત મહેતા પણ સાથે હતા.

VHP અને બજરંગ દળના કાર્યકરો ત્યાં પહોંચ્યા, ત્યારે હોટેલમાં એક યુવતી અને એક યુવક હતાં. જેમાં યુવતી નશામાં હોય તે રીતે ત્યાં VHP અને બજરંગ દળના કાર્યકરો સાથે બહેસ કરવા લાગી હતી. તે દરમિયાન એક યુવક ત્યાંથી ભાગી ગયો અને યુવતી પણ ત્યાંથી ચાલતી ચાલતી નીકળી ગઈ હતી. જે યુવક ભાગી ગયો તેનો ફોન બજરંગ દળના કાર્યકરોના હાથમાં આવી ગયો હતો. આ ફોન પર એક ફોન આવ્યો કે, અમે માલ લેવા આવ્યા છીએ. એટલે VHPના કાર્યકરે બે યુવકોને પકડી લીધા હતા અને પૂછપરછ કરી હતી.

આ પૂછપરછમાં થોડીવાર બાદ આ યુવક ડ્રગ્સ લેવા આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. યુવકના ફોનથી ડ્રગ સપ્લાયરને વીએચપીના કાર્યકરોએ ફોન કરાવ્યો હતો. જેના આધારે ડ્રગ્સ સપ્લાયર પાલડી પાસે ડ્રગ્સ આપવામાં આવશે, તેવું નક્કી થયું હતું. થોડીવાર બાદ બંને યુવકોને લઈને VHP અને બજરંગ દળના કાર્યકરો પાલડી પાસે પહોંચ્યા હતા અને ડ્રગ સપ્લાયરને ઝડપી પાડવા ટ્રેપ ગોઠવી હતી. થોડીવાર બાદ રિક્ષામાં ડ્રગ સપ્લાયર આવ્યો અને જે વ્યક્તિએ ફોન કર્યો હતો, તેની સાથે વાત કરતા બજરંગ દળ અને VHPના કાર્યકરોએ તેને પકડતા તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું.

આ બનાવની જાણ થતા એલિસબ્રિજ પોલીસ અને અન્ય એજન્સીના અધિકારીઓ પાલડી પાસે પહોંચી ગયા હતા. આ સંદર્ભે તપાસ કરતા પંચોને સાક્ષીની હાજરીમાં ચાર ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ બનાવમાં એક વ્યક્તિની અટકાયત કરી છે, જ્યારે આ કેસમાં એક વ્યક્તિ વોન્ટેડ હોવાનું પણ સામે આવી રહ્યું છે. હાલ VHPના આ હોટલ સામેની ઝુંબેશમાં ડ્રગ્સ રેકેટ પકડાયું છે.

લવ જેહાદ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હવે આક્રમક કાર્યકર્મો કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી

લવ જેહાદ અને અન્ય ધર્મના યુવક દ્વારા હિન્દુ યુવતીઓને ફસાવવાના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હવે આક્રમક કાર્યકર્મો કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, હવે કોઈ વિધર્મી યુવક હિન્દુ યુવતીને હોટલમાં લઈ જશે તો તેની હોટલ સંચાલકો જો મંજૂરી આપશે તો હોટલ માલિકોએ પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *