દાહોદ જિલ્લાની સાગટાળા પોલિસ સ્ટેશનની હદમાં બામરોલી મુવાડા ગામે પુજારા ફળિયામાં એક રહેણાક મકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર દાહોદ એલસીબી પોલિસે ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂપિયા ૭૬ હજાર ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો પકડી કબજે લઈ બુટલેગરની અટક કર્યાનું જાણવા મળ્યું છે.
દેવગઢ બારીયા તાલુકાના સાગટાળા પોલિસ સ્ટેશનની હદમાં આવેલ બામરોલી મુવાડા ગામે પુજારા ફળિયામાં રહેતા બુટલેગરો નિલેશભાઈ જુવાનસીંગ ઉર્ફે નટુભાઈ બારીયા તથા જુવાનસીંગ ઉર્ફે નટુભાઈ ધનાભાઈ બારીયાના કબજા ભોગવાટાના મકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી દાહોદ એલસીબી પોલિસને મળતાં જે બાતમીના આધારે ગઈકાલે બપોરના પોણા ત્રણ વાગ્યાના સુમારે દાહોદ એલસીબી પોલિસે બાતમીવાળી જગ્યાએ ઓચિંતો છાપો મારી ઘરની તલાસી લઈ ઘરમાંથી રૂપિયા ૭૬,૮૨૪ની કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા બીયરટીનની પેટીઓ નંગ-૨૨ પકડી પાડી કબજે લીધી હતી. પોલિસની રેડ વખતે બુટલેગર નિલેશભાઈ જવાનસીંગ ઉર્ફે નટુભાઈ બારીયા ઘરે હાજર હોવાથી પોલિસે તેની અટકાયત કરી હતી.
આ સંબંધે દાહોદ એલસીબીના પો.કો. મુકેશભાઈ મથુરભાઈએ નોંધાવેલ ફરિયાદને આધારે બામરોલી, પુજારા ફળિયામાં રહેતા નિલેશભાઈ જુવાનસીંગ ઉર્ફે નટુભાઈ બારીયા તથા જુવાનસીંહ ઉર્ફે નટુભાઈ ધનાભાઈ બારીયા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.