CRIME: અગાઉ થયેલા ઝઘડાનાં મનદુ:ખના લીધે ગઇકાલે રાત્રે માંડવીની ભૂકંપનગરીમાં બે જૂથ વચ્ચે લોખંડના પાઇપ, ધોકા, ધારિયા, છરી જેવાં ઘાતક હથિયારો વડે મારામારી થતાં અસ્થિભંગ, હેમરેજ જેવી ઇજાઓ થઇ હતી. આ બનાવને લઇને બન્ને જૂથે સામસામી ફરિયાદ નોંધાવી છે. આ અંગે મુશરફ રજાકમિયાં બુખારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ અગાઉ દશેક દિવસ પૂર્વે ધકબૂશટનો ઝઘડો થયો હતો, જેનું સામાજિક રીતે સમાધાન થઇ ગયું હતું. આમ છતાં તેનાં મનદુ:ખમાં શનિવારે રાત્રે ફરિયાદીના ઘર પાસે સિકંદર બાઇકથી આવ્યો હતો અને ફરિયાદીને અડાડી પાછળથી ધક્કો મારી નીકળી ગયો અને જતાં – જતાં કહેતો ગયો કે, જેટલા હો તૈયાર રહેજો, હું બીજા માણસો લઇને આવું છું.
CRIME: આ બાદ મારક હથિયારો સાથે ટોળાંએ આવીને ગાળાગાળી સાથે મારપીટ કરી હતી, જેમાં ફરિયાદીના ભાઇને ખભા નીચે છરી વાગતાં આઠ ટાંકા તથા પાઇપ લાગતાં અસ્થિભંગની ઇજા તથા માતા – પિતાને નાની – મોટી ઇજા થઇ છે. આરોપીઓએ ઘરનો દરવાજો તોડી, વાહનોમાં નુકસાન કર્યું હતું. ફરિયાદીએ આરોપી સિકંદર રફીક મેમણ, ભુરા ઉર્ફે હુસેન રફીક મેમણ, રફીક ઉમર મેમણ, ફાતીમાબાઇ રફીક મેમણ, અબ્દુલ રફીક મેમણ, મહેમૂદ સલીમ મિયાણા, ઇકબાલ સલીમ મિયાણા (રહે. તમામ માંડવી) વિરુદ્ધ મહાવ્યથા, હથિયારબંધી ભંગ અને નુકસાન કરવા સંબંધે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાવાયો છે. બીજીતરફ આ જ બનાવને લઇને હુસેન રફીકભાઇ મેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ નાના ભાઇ સિકંદરનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, ભૂકંપનગરીમાં આવ્યા ત્યારે મુશરફે બોલાચાલી કરી ધોકો માર્યો હતો, આથી ત્યાં જતાં પતાવટની વાત કરતાં એજાજે ઉશ્કેરાઇ ગાળાગાળી કરતાં ઝઘડો થયો હતો. એજાજે છરીથી મહેમૂદને મારવા જતાં ફરિયાદીએ પકડી લેતાં તેના હાથમાં આઠ ટાંકા અને મુશરફે માથામાં ધારિયું મારતાં ફરિયાદી લોહીલુહાણ થઇ ગયા હતા.
CRIME: મહેમૂદને માથાના ભાગમાં ઇજા પહોંચી હતી. પિતા રફીકને રજાકે પાઇપ વડે મારતાં માથામાં હેમરેજની ઇજા થઇ છે. ફરિયાદીએ આરોપીઓ રજાક સૈયદ, એજાજ રજાક સૈયદ, મુશરફ રજાક સૈયદ (રહે. તમામ માંડવી) વિરુદ્ધ વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાવી છે. માંડવી પોલીસે બન્નેની ફરિયાદ નોંધી તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી છે.